![]()
West Bengal Political News : પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓની ખાસ સુધારણા ઝુંબેશ (SIR) મામલે બેઠક યોજાયા બાદ ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત કામગીરીને લઈને કડક ચેતવણી આપી છે. ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને સખ્ત ચેતવણી આપી છે કે, તેઓ બૂથ લેવલ ઓફિસર (BLO)ને ધમકાવે નહીં કે પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરે.
ચૂંટણી પંચે TMCના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
બેઠક દરમિયાન ચૂંટણી પંચે ટીએમસીના પ્રતિનિધિમંડળની તમામ આશંકાઓ અને પાયાવિહોણા આક્ષેપોનું ખંડન કર્યું છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ 9 ડિસેમ્બર પછી ટીએમસીના પ્રતિનિધિમંડળને મતદાર યાદીની ડ્રાફ્ટ લિસ્ટ આપશે, પછી જ તેઓ પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરે. ત્યાં સુધી તેઓ ચૂંટણી સંબંધિત કામગીરીમાં તૈનાત રાજ્ય સરકારના કર્મચારીઓ, BLO, ચૂંટણી નોંધણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કામગીરીમાં અડચણો ઉભી ન કરે.
આ પણ વાંચો : લદાખને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી છીનવી લેવાઈ નાણાકીય શક્તિ
પશ્ચિમ બંગાળ માટે ચૂંટણી પંચના મહત્ત્વના આદેશ
ચૂંટણી પંચે (Election Commission) પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક અને કોલકાતા પોલીસ કમિશનરને પત્ર લખીને ખાતરી કરવા જણાવ્યું છે કે, રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા BLO પર કોઈ દબાણ ન આવે કે તેમને ધમકી ન આપવામાં આવે. પંચે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને ઝૂંપડપટ્ટી, ઊંચી ઈમારતો અને ગેટબંધ રહેણાંક કોલોનીઓમાં નવા મતદાન કેન્દ્રો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસમાં તાજેતરની સુરક્ષા ભંગની ઘટના બની હતી, ત્યારબાદ ચૂંટણી પંચે ઓફિસને સુરક્ષા માટે યોગ્ય સ્થળે ખસેડવાનો નિર્દેશ આપ્યો છે. કોલકાતા પોલીસ કમિશનરને સીઈઓના હાલના અને નવા કાર્યાલયની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ










