![]()
Surat Dirty Water : સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગંદુ પાણી આવવું, પૂરતા પ્રમાણમાં પાણી ન મળવું અને લાઈનમાં પ્લાસ્ટિક તથા કોથળીઓના ટુકડા બહાર આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાંડેસરા વિસ્તારમાં આવેલા સંદીપનગર, શિવમનગર, સીતાનગર, માયાવંશી મહોલ્લો, ભરવાડ મહોલ્લો તથા પાંડેસરા ગામ તળ વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે જેમાં નળમાંથી આવતું પાણી ગંદુ અને અશુદ્ધ આવી રહ્યું છે તેમજ પૂરતા પ્રમાણમાં પાણી પણ મળતું નથી, ઘણી જગ્યાએ પાણી સાથે પ્લાસ્ટિકના ટુકડા અને કોથળીઓના અવશેષો બહાર આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ સુધારવા માટે સુરત પાલિકાના અધિકારીઓ દ્વારા સતત અલગ અલગ વિસ્તારોમાં ખાડા ખોદવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આખો વિસ્તાર ખોદી નાખવામાં આવ્યો હોવા છતાં હજી સુધી ચોક્કસ ફોલ્ટ શોધવામાં તંત્રને સફળતા મળી નથી, જેના કારણે વિસ્તાર વધુ બગડેલો અને અવ્યવસ્થિત બની ગયો છે. પાણી પુરવઠો નિયમિત ન રહેતાં અને પીવાનું પાણી અશુદ્ધ મળતાં સ્થાનિક લોકો મજબૂરીમાં પાલિકાના ટેન્કર પરથી પાણી ભરવા મજબૂર બન્યા છે અને રોજિંદી જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, સાથે સાથે આરોગ્યની ચિંતાઓ પણ વધતી જઈ રહી છે. વારંવાર ફરિયાદો છતાં કાયમી ઉકેલ ન મળતા લોકોમાં તંત્ર પ્રત્યે અસંતોષ અને રોષ સતત વધી રહ્યો છે અને તાત્કાલિક રીતે સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.










