![]()
Bagdana Case: ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું. આજે (24મી જાન્યુઆરી) સમન્સને પગલે જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો. જોકે, SIT દ્વારા જયરાજ આહીરની બે કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે.
SIT દ્વારા જયરાજ આહીરની પૂછપરછ
બગદાણાના કોળી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે SIT દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અગાઉ પણ જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે આજે ફરીથી તેને રેન્જ આઈજીની કચેરીમાં બોલાવવા આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આ હુમલાની ઘટનામાં સંડોવાયેલો હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને લઈ આજે જયરાજ આહીરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો.
કચેરીએ હાજર થતા પહેલા જયરાજે જણાવ્યું હતું કે, ‘મને ન્યાયતંત્ર અને કાયદા પર પૂરો ભરોસો છે. તપાસમાં જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું સંપૂર્ણ સહયોગ આપીશ. કાયદાકીય જે પણ નિર્ણય આવશે તે મને શિરોમાન્ય રહેશે.’
આ પણ વાંચો: ગુજરાતમાં SIR મુદ્દે રાજકીય ‘ગજગ્રાહ’: 2002માં નામ ઉમેરવાનો ટ્રેન્ડ, તો અત્યારે ‘નામ કમી’ની બબાલ! RTIના ચોંકાવનારા આંકડા
આ કેસમાં 13 લોકોની ધરપકડ કરાઈ
બગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. SIT ટીમની તપાસમાં પ્રથમ કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ વધુ 2 આરોપી ઝડપાયા છે, જેમાં ઉત્તમ ભરતભાઇ બાંભણીયા રતનપર નવાગામનો રહેવાસી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા રહે. બગદાણા રહેવાસીને ઝડપી પાડ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહીરના એક લોક ડાયરાથી થઈ હતી. આ કાર્યક્રમમાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના ‘મેનેજિંગ ટ્રસ્ટી’ કહ્યા હતા. નવનીત બાલધિયાએ ફોન કરીને સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં આવું કોઈ પદ નથી.
માયાભાઈએ ભૂલ સ્વીકારી માફી માંગી હતી, પરંતુ ત્યારબાદ નવનીત બાલધિયા પર 29મી ડિસેમ્બર 2025ની રાત્રે આઠ જેટલા શખસોએ પાઈપ અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હતો.
નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ ન પડતા તેણે આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. આ ઘટના બાદ ભાવનગર સહિત સમગ્ર રાજ્યના કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે આત્મવિલોપનના પ્રયાસો અને દાખાવો કર્યો હતો. કેસની ગંભીરતાને જોતા રાજ્ય સરકારના આદેશથી IPS અધિકારીના નેતૃત્વમાં SIT ની રચના કરવામાં આવી છે.










