અમદાવાદ,શુક્રવાર
સુરતના કામરેજ પાસે સત્યમ યોગ ફાઉન્ડેશનની આડમાં પ્રદીપ ગુરૂ અને તેના સાગરિતો દ્વારા બનાવટી ચલણી નોટો છાપવાના કેસમાં આરોપીઓની પુછપરછમાં એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે ક્રાઇમબ્રાંચે સુરતથી ભાવેશ ગજેરા નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ભાવેશ ગજેરાએ બજારમાં ૨૦ લાખથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો ફરતી કરી હતી.
સુરતમાં આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરૂ, મુકેશ ઠુમ્મર સહિત છ આરોપીઓની અમદાવાદ ક્રાઇમબ્રાંચે રૂપિયા ૨.૪૮ કરોડની બનાવટી ચલણી નોટો સાથે ઝડપી લેવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મુકેશ ઠુમ્મર પ્રદીપ ગુરૂના કહેવા મુજબ નકલી ચલણી નોટોનું કામ સંભાળતો હતો. તેમજ એજન્ટ સાથે ડીલ પણ કરતો હતો. તેમજ નકલી ચલણી નોટો બજારમાં ફરતી કરી હતી. આ કેસમાં પોલીસને મુકેશની પુછપરછમાં ભાવેશ ગજેરા (રહે. રામવાટીકા સોસાયટી, કામરેજ)ની સક્રિય સંડોવણીની માહિતી મળી હતી. જો કે છેલ્લાં ઘણા દિવસથી ફરાર હતો. ગુરૂવારે પોલીસે બાતમીના આધારે ભાવેશ ગજેરાને સુરતથી ઝડપી લીધો હતો.
તેણે બનાવટી ચલણી નોટોના કેસમાં કાગળો ખરીદવાથી માંડીને નોટો છાપવા માટેની સાધનો ખરીદવા માટે નાણાંકીય સહાય કરી હતી. એટલુ જ નહી તેણે પ્રદીપગુરૂ સાથે ડીલ કરીને ૨૦ લાખની બનાવટી ચલણી નોટો ફરતી પણ કરી હતી.
આ ઉપરાંત, નોટોના કારોબારમાં પણ હિસ્સો રાખ્યો હતો. પોલીસે આરોપીના છ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.








