![]()
Menstrual Problem: મહિલાઓને માસિક ધર્મ દરમિયાન પડતી મુશ્કેલીમાં પણ હવે ટેકનોલોજીની મદદથી નિષ્ણાંત ડોકટરોની ટીમ સંશોધન કરશે. જે માટે ‘ગેટ્સ ફાઉન્ડેશન’ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સંશોધક ટીમને મહિલા માસિક સંબંધિત રોગના ઉપચાર માટે 01 કરોડથી વધુની સહાય કરશે. ખાસ કરીને સંશોધકની ટીમ ‘હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ’-HMBની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની પણ મદદ લેવાશે.
કયા ડૉક્ટરની દેખરેખમાં થશે સંશોધન?
આ અભ્યાસ અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ના ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગના ડીન અને હેડ ડૉ. રોહિના અગ્રવાલની દેખરેખ હેઠળ હાથ ધરાશે. સંશોધનના ભાગરૂપે, ડૉ. અગ્રવાલ દર્દીઓની ઓળખ (Patient Identification) અને તબીબી મૂલ્યાંકનમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જ્યારે ડૉ. નાયરની લેબોરેટરી મહિલાઓના સ્વાસ્થ્ય સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ ખાસ કરીને ગર્ભ સ્થાપનમાં વારંવાર થતી નિષ્ફળતા (RIF – Repeated Implantation Failure) અને એન્ડોમેટ્રિઓસિસ (Endometriosis) પર તેમજ HMB માટે RNA-આધારિત પરવડે તેવા અને ન્યૂનતમ ઈન્વેઝિવ સંશાધનો વિકસાવવા સક્રિયપણે કાર્ય કરશે.
શું છે HMB?
ડૉ. નાયરના જણાવ્યા મુજબ ‘એબનોર્મલ યુટેરાઇન બ્લીડિંગ (Abnormal Uterine Bleeding – AUB), જેનો HMB એક સબસેટ છે, તે વિવિધ પરિબળોને કારણે થાય છે. જેમાં સ્ટ્રક્ચરલ એબનોર્મલીટીઝ (Structural Abnormalities) જેમ કે પોલીપ્સ (Polyps), એડેનોમાયસિસ (Adenomyosis), ફાઈબ્રોઇડ્સ (Fibroids) અને મેલીગ્નન્સી (Malignancy – કેન્સર) નો સમાવેશ થાય છે, જ્યારે નોન-સ્ટ્રક્ચરલ પરિબળોમાં બ્લીડિંગ ડિસઓર્ડર (રક્તસ્રાવ વિકૃતિઓ), ઓવ્યુલેટરી અને એન્ડોમેટ્રિયલ ડિસફંક્શન (Ovulatory and Endometrial Dysfunction) નો સમાવેશ થાય છે.’
અસામાન્ય માસિક રક્તસ્રાવ સાથે સંકળાયેલા બાયોમાર્કર્સની ઓળખ થશે
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સિંગલ-સેલ RNA સિક્વન્સિંગનો ઉપયોગ કરીને HMBના સેલ્યુલર અને મોલેક્યુલર પરિબળોને મેપ કરવાનો છે, જેથી એન્ડોમેટ્રિયલ માઇક્રોએન્વાયર્નમેન્ટ (Endometrial Microenvironment)નો વ્યાપક ડેટા સંગ્રહ તૈયાર કરી શકાય. આ કાર્યમાંથી મળતી માહિતી અસામાન્ય માસિક રક્તસ્રાવ સાથે સંકળાયેલા મુખ્ય પાથવે અને બાયોમાર્કર્સની ઓળખ કરશે.
HMBના સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો થશે ઉપયોગ!
- HMBની ફન્ડામેન્ટલ બાયોલોજીની સમજણને આગળ વધારવી.
- ઓછી સુવિધાઓ ધરાવતા વિસ્તારમાં મહિલાઓમાં રોગનો વ્યાપ, અસર અને સ્ત્રીરોગ સ્વાસ્થ્ય તથા જીવનની ગુણવત્તા પર થતી અસરોનું મૂલ્યાંકન કરવું.
- HMBના તપાસ માટેની સુધારેલી પદ્ધતિઓ વિકસાવવી અને તેને પ્રમાણિત કરવી તથા સ્ટાન્ડર્ડાઇઝડ રિસર્ચ પ્રોટોકોલ્સ સ્થાપિત કરવા.
- ઓછી સુવિધાઓ ધરાવતા વિસ્તારોમાં HMB ના કારણો ઓળખવા માટે અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક્સ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવો.
- સારવારની અસરકારકતા, સ્વીકાર્યતા અને સારવાર સુધીની પહોંચ વધારવાના માર્ગોનું મૂલ્યાંકન કરવું.










