![]()
વડોદરા,કપુરાઇ પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં હજી કારણ જાણવા મળ્યું નથી. પરિવારજનો અંતિમ વિધિ પૂરી કર્યા પછી વડોદરા આવ્યા પછી તેમજ મોબાઇલ ફોન અનલોક થયા પછી જ કારણ બહાર આવશે.
આજવારોડ વોર્ડ – ૫ ની ઓફિસ નજીક શીવાનંદ સોસાયટીમાં રહેતા પ્રિયંકાબેન રમેશભાઇ પ્રજાપિત (ઉં.વ.૨૮) કપુરાઇ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે શી ટીમમાં ફરજ બજાવતા હતા. તેઓ મૂળ બનાસકાંઠાના વડગામ તાલુકાના રજોસણા ગામના વતની હતા. પી.એસ.આઇ.ની પરીક્ષા તાજેતરમાં જ પાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકાબેને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે, આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી. પોલીસને બનાવની જાણ કરનાર કપુરાઇ પોલીસ સ્ટેશનનના પોલીસ જવાન રમેશભાઇ ચૌધરીનું પોલીસે આજે નિવેદન લીધું હતું. તેણે જણાવ્યું હતું કે, પ્રિયંકા અને હું એક જ તાલુકાના વતની છે. તેમજ સાથે નોકરી કરતા હતા. અમારે તેઓની સાથે પારિવારીક સંબંધો હતો. આપઘાતના કારણ અંગે તેણે પણ કોઇ સ્પષ્ટતા કરી નથી.










