![]()
અમદાવાદ,સોમવાર,22
ડિસેમ્બર,2025
ડબલ મોસમના કારણે અમદાવાદમાં વાઈરલ ફિવર સહિત શરદી,ખાંસી જેવા વિવિધ
રોગના દર્દીઓની સંખ્યામા સતત વધારો થઈ રહયો છે.કોર્પોરેશન સંચાલિત અર્બન અને
કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં વાઈરલના રોજના ૧૫૦૦થી વધુ કેસ નોંધાઈ રહયા છે.શહેરમા
આવેલા ૮૭ અર્બન હેલ્થ સેન્ટર અને ૧૨ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના બહાર આવેલા ડેટા
પ્રમાણે રોજના દસ હજારથી વધુ દર્દી નિદાન
અને સારવાર માટે આવી રહયા છે.આમ છતાં કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી રોગચાળાના
સાચા આંકડા જાહેર કરવાના બદલે છુપાવાઈ રહયા છે.હેલ્થ વિભાગ શહેરની તમામ હોસ્પિટલના
ડેટા કલેકટ કરી જાહેર કરવામા અસમર્થ સાબિત થઈ રહયુ છે.
મ્યુનિસિપલ કમિશનરે વારંવાર હેલ્થ વિભાગના ઈન્ચાર્જ મેડીકલ
ઓફિસરને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના સાચા આંકડા જાહેર કરવા અગાઉ સુચના આપેલી
છે.ખાસ કરીને શહેરના પૂર્વ ,
ઉત્તર અને દક્ષિણ ઝોનમાં જે પ્રમાણે વિવિધ રોગના દર્દીઓની સંખ્યામા વધારો થઈ
રહયો છે.તેને ધ્યાનમાં લઈને કમિશનરે જે ૨૬ હોટ સ્પોટ એરિયા જાહેર કરાયા છે.તે
સ્પોટ ઉપર કોર્પોરેશનના ઈજનેર વિભાગ સાથે સંકલન કરી કામગીરી કરવા પણ હેલ્થ વિભાગને
સુચના આપેલી છે.આમ છતાં અગમ્યકારણસર હેલ્થ વિભાગ તરફથી રોગચાળાના સાચા આંકડા જાહેર
કરાતા નહીં હોવાથી સોમવારે મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં કમિટીના ચેરમેને ઈન્ચાર્જ
મેડીકલ ઓફિસરને એવી ટકોર પણ કરી હતી કે,
તમે નકકી કરેલા રોગચાળાના આંકડા કોર્પોરેશનની પ્રણાલિકા મુજબ દર સપ્તાહે જાહેર
કરો.જેથી લોકો રોગચાળાને લઈ સતર્ક રહી શકે.
૨૧ દિવસમાં ડેન્ગ્યૂના ૪૫,કોલેરાનો એક કેસ
કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી જાહેર કરવામા આવેલા
રોગચાળાના આંકડા મુજબ,ડિસેમ્બરના
૨૧ દિવસમાં મેલેરિયાના ૬,
ઝેરી મેલેરિયાના ૪, ડેન્ગ્યૂના
૪૫ કેસ નોંધાયા છે.પાણીજન્ય એવા ઝાડા ઉલટીના ૧૭૨, કમળાના ૧૦૨,
ટાઈફોઈડના ૧૧૨ તથા અમરાઈવાડી વોર્ડમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે. પાણીના
સેમ્પલ લઈ ટેસ્ટ કરાતા રેસીડેન્શીયલ કલોરીન ટેસ્ટમાં પાંચ સેમ્પલનો કલોરીન રીપોર્ટ
નીલ આવ્યો છે. પાણીના છ સેમ્પલ અનફીટ એટલે કે પીવાલાયક નહીં હોવાનો રીપોર્ટ આવ્યો
છે.










