![]()
મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચા બોલાઇ રહ્યા હતા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ભાવ વધતાં ઘરઆંગણે ઇમ્પોર્ટ કોસ્ટ વધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવ ત્રણ ટકા તૂટયાના સમાચાર મળ્યા હતા. અમેરિકાએ યુરોપીયન ઓટોમોબાઇલ પર ટેરીફ વધારવાની ધમકી આપતાં વૈશ્વિક સ્તરે વોર પછી હવે ફરી ટ્રેડ વોર શરૂ થવાની આશંકા જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, ઇરાને યુદ્ધ વિરામ માટે નવી દરખાસ્ત પાઠવતાં હવે આ પ્રશ્ને અમેરિકા કેવો પ્રતિસાસાદ આપે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ વધ્યાના વાવડ મળ્યા હતા.
ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ નીચામાં ૯૭.૭૨ના બે સપ્તાહના તળીયે ઉતર્યા પછી આ ઇન્ડેક્સ ફરી વધી ઉંચામાં ૯૮.૨૪ થઇ છેલ્લે ૯૮.૨૧ રહ્યો હતો. મુંબઇ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂા. ૯૪.૯૦થી ૯૪.૯૫ વચ્ચે ફરતા રહ્યા હતા. દરમિયાન, ભારતનું ફોરેક્સ રિઝર્વ ૪.૮૨ અબજ ડોલર ઘટયાના વાવડ હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૧૦૦૦ વધી ૯૯૫ના રૂા. ૧૫૩૭૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૫૪૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૨૪૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૭૪થી ૪૫૭૫ ડોલરવાળા વધી ૪૬૧૪થી ૪૬૧૫ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ૭૩.૫૫થી ૭૩.૫૬ વાળા ઉછળી ૭૬.૯૭ થઇ ૭૫.૩૬થી ૭૫.૩૭ ડોલર રહ્યા હતા.
દરમિયાન ક્રૂડતેલ બજારમાં પીછેહઠ વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૧૦.૮૭ ડોલરવાળા ૧૦૬.૨૭ થઇ ૧૦૮.૧૭ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડજના ભાવ વાયપેક્સ ડબલ્યુટીઆઇના ૧૦૪.૫૧ વાળા નીચામાં બૂાવ ૯૯.૩૦ થઇ ૧૦૧.૯૪ ડોલર રહ્યા હતા. મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ રૂા. ૧૦૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂા. ૧૪૯૦૦૦ તથા ૯૯૯ના ૧૪૯૬૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઇ ચાંદીના ભાવ રૂા. ૩૦૦૦ વધી જીએસટી વગર ભાવ રૂા. ૨૪૭૦૦૦ બોલાયા હતા.
મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૯૭૫ વાળા ૨૦૨૦થી ૨૦૨૧ થઇ ૧૯૯૦થી ૧૯૯૧ ડોલર છેલ્લે રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૫૨૪થી ૧૫૨૫થી ૧૫૬૦ થઇ ૧૫૨૭થી ૧૫૨૮ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ઓપેકના દેશોએ જૂનમાં ક્રૂડનું દૈનિક ઉત્પાદન ૧ લાખ ૮૮ હજાર બેરલ્સ વધારવાનો નિર્ણય કર્યાના વાવડ હતા. જાપાનની કરન્સી તાજેતરમાં ડોલર સામે ઘટી ગયા પછી હવે ત્યાંની સરકારે પોતાની કરન્સીને સપોર્ટ આપવા કરન્સી બજારમાં મધ્યસ્થી શરૂ કર્યાના નિર્દેશો દરિયાપારથી મળ્યા હતા.










