![]()
અમદાવાદ : ભારતીય શેરબજારમાં બેંકિંગ શેરોમાં સતત નબળાઈ જોવા મળી રહી છે. ૨૧ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધીમાં, નિફ્ટી બેંક ઇન્ડેક્સ ૧,૯૩૫ પોઇન્ટ એટલે કે ૩.૪% ઘટયો છે. જુલાઈ ૨૦૨૫માં તેણે બનાવેલા ૫૨-સપ્તાહના ઉચ્ચતમ સ્તર ૫૭,૬૨૮ થી તે લગભગ ૬.૮% નીચે આવી ગયો છે.
બ્રોકરેજ હાઉસ એલારા કેપિટલના મતે જો યુએસ લાંબા સમય સુધી ઊંચા ટેરિફ જાળવી રાખે છે, તો ભારતીય બેંકો માટે જોખમ વધી શકે છે. ટેક્સટાઈલ, લેધર અને રત્ન-ઝવેરાત જેવા ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે, જે બેંકોની કુલ લોનના લગભગ ૨% હિસ્સો ધરાવે છે. નિકાસમાં ઘટાડો અને ઓછી નોકરીઓના કિસ્સામાં, નાની વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ રિકવરી પણ દબાણ હેઠળ આવી શકે છે.
ખાનગી બેંકોમાં, એચડીએફસી બેંક પાસે ટેક્સટાઇલ ક્ષેત્રમાં તેની લોનનો ૧.૮% હિસ્સો છે, જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક પાસે ૧.૧% અને એક્સિસ બેંક પાસે ૧.૨% હિસ્સો છે. મધ્યમ કદની ખાનગી બેંકોમાં, સિટી યુનિયન બેંક પાસે ૭.૬%, કરુર વૈશ્ય બેંક પાસે ૫.૫% અને ફેડરલ બેંક પાસે આ ક્ષેત્રમાં ૨.૬% હિસ્સો છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં, કેનેરા બેંક, ઇન્ડિયન બેંક અને યુનિયન બેંક પાસે વધુ જોખમ છે. ઇન્ડસઇન્ડ બેંક, કરુર વૈશ્ય બેંક અને RBL બેંકનો પણ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં નોંધપાત્ર હિસ્સો છે.
વિશ્લેષકો કહે છે કે બેંકિંગ સિસ્ટમ પર દબાણ ફક્ત નિકાસમાં ઘટાડાથી જ નહીં પરંતુ સ્થાનિક પરિબળોથી પણ આવી શકે છે. ઓનલાઈન ગેમિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત નોકરીઓમાં કાપ વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોને અસર કરી શકે છે. આ ઉપરાંત, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, એટલે કે બેંકોની મુખ્ય કમાણી, આગામી મહિનાઓમાં અસ્થિર રહેવાની શક્યતા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં, બધી શેડયુલ્ડ બેંકોનો ચોખ્ખો નફો ૩.૧% વધીને રૂ.૯૨,૦૦૦ કરોડ થયો હતો.
આમાં, જાહેર ક્ષેત્રની બેંકોનો નફો ૧૦.૯% વધીને રૂ.૪૭,૦૦૦ કરોડ, જ્યારે ખાનગી બેંકોનો નફો ૩.૯% ઘટીને રૂ.૪૫,૦૦૦ કરોડ થયો હતો. આ વધારો મુખ્યત્વે ટ્રેઝરી ગેઇનથી થયો છે, જ્યારે લોન વૃદ્ધિ અને માર્જિન પર દબાણ જોવા મળ્યું છે.










