અમદાવાદ,સોમવાર
રખિયાલમાં આવેલા ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે પશુનું માથું મળી આવતા સ્થાનિક લોકો તથા જીવદયા પ્રેમીઓ એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો. લોકોની ભીડ એકઠી થતા બાપુનગર પોલીસનો કાફલો સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તટસ્થ તપાસ કરવાની ખાતરી આપીને મામલો થાળે પાડયો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે જાણવા જોગ નોંધીને પશુના માથાનાને એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપી અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં પશુનું ધડ હતું ગૌવંશનું નહી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે જાણવાજોગ ફરિયાદ નોધીને વધુ તપાસ શરૃ કરી ઃ પ્રાથમિક તપાસમાં ગૌવંશનું ન હોવાનું સામે આવ્યુ
રખિયાલ વિસ્તારમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે રોડની વચ્ચે ડિવાઈડર ઉપર કોઇક અજાણી વ્યકિતએ પશુનું માથું નાંખીને લોકોની લાગણી દુભાય તેવી હરકત કરીને શખ્સો ફરાર થઇ ગયા. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને હિંદુ સંગઠનો તથા જીવદયા પ્રેમીઓના ટોળા રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને જોરશોરથી વિરોધ કરીને રોષ ઠાલવવા લાગ્યા હતા.
જયશ્રીરામ નારા પણ લગાવતા વાતાવણ ડોળાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસ સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોચ્યો હતા અને વિરોધ કરી રહેલા ટોળાને શાંત પાડયા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે જાણવાજોગ ગુનો નોંધીને પશુના માથાને એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપીને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૃ કરી છે.










