![]()
– એસ.ટી.ડેપોનો વહિવટ ખાડે ગયો, મુસાફરોને ભારે હાલાકી
– રાત્રીના સમયે શૌચાલયને તાળા મારી દેવામાં આવે છે, સત્તાધીશોની મનમાની સામે લોકોમાં નારાજગી
રાજુલા : એસ.ટી. તંત્રના સત્તાધીશોની વહિવટી અણઆવડતના કારણે રાજુલા એસ.ટી.ડેપોનો વહિવટ સંપુર્ણપણે ખાડે ગયો છે. રાજુલા તાલુકાના ૩૫ ઉપરાંત ગામડાઓ આજની તારીખે પણ એસ.ટી.ડેપોની સુવિધાથી વિહોણા છે. આ ગામડાઓના લોકોએ છેલ્લા પાંચ વર્ષથી એસ.ટી.બસના દર્શન કર્યા નથી. તંત્રની લાપરવાહી સામે મુસાફરજનતામાં કચવાટ વ્યાપેલ છે.
અમરેલી ડીવીઝન તળે સંચાલિત રાજુલા એસ.ટી.ડેપોના મેનેજરની મનસ્વી કાર્યપધ્ધતિના કારણે મુસાફરો ગળે આવી ગયા છેે. ઔદ્યોગિક એકમોથી ધમધમતા રાજુલા પંથકને સાંકળતી એસ.ટી.બસની ટ્રીપ એકાએક કોઈ નકકર કારણ વગર બંધ કરી દેવામાં આવે છે. આજથી થોડા દિવસો પૂર્વે રાજુલાથી બર્બટાણા રૂટની મીની બસ ધારાસભ્ય અને વેપારીઓના હસ્તે ઉદઘાટન કરાયુ હતુ. જે બસ સેવા આજથી બે દિવસ પહેલા બંધ કરી દેવાઈ છે. ડેપોમાં બે ફોકસ લાઈટ બંધ હાલતમાં છે. રાત્રીના સમયે શૌચાલયને તાળા મારી દેવામાં આવે છે. રાજુલા તાલુકાના એભલવડ, પીછડી, લોર, જીકાદરી, ધારાબંદર, વારાહ સ્વરૂપ, બાબરકોટ, વાંઢ, ભાકોદર, ધારાના, નેસવડ, ભયાદર, ઉચૈયા, રામપરા, ભેરાઈ, બાલાપર, મસુંદડા, કાગધામ, નવાગામ, છાપરી, ડોળીયા, ઉટીયા, જીંજકા, રામપરા-૨,સાંજણાવાવ, નાના અને મોટા મોભીયાણા, નેસડી, ખારી, ખેરાળી, ધારેશ્વર, ભંડારીયા, ચાંચબંદર સહિતના ૩૫ જેટલા ગામડાઓ આજે પણ એસ.ટી.ની સુવિધાથી વંચિત છે.તંત્રવાહકો દ્વારા મુસાફરોને અનુકુળ રૂટની સુવિધા ફાળવવાના બદલે ધમધમતા રૂટની સેવા મનમાની રીતે બંધ કરાય છે.આવા અનેક કારણોથી રાજુલા એસ.ટી.ડેપો એ ગ્રેડનો થતો નથી. જેથી મુસાફરોમાં સત્તાતંત્ર સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે.










