![]()
દિપાવલીના પર્વ દરમિયાન જાણભેદુનું કારસ્તાન
પરિવાર સાથે ગોવા ફરવા ગયેલા ઘરધણી પરત આવ્યા ત્યારે ઘરના તાળાં તૂટેલા હતાં ઃ કેરટેકર મહિલા સામે જ શંકાની સોય
ગંધીનગર : ન્યુ ગાંધીનગરના રાયસણમાં આઇએસઆરના ક્વાર્ટરમાં મહિલા
સાયન્ટિસ્ટના ઘરના તાળાં તોડીને તસ્કરોએ રૃપિયા ૯.૬૩ લાખની મતા ચોર્યાની ફરિયાદ
નોંધાઇ છે. દિપાવલીના પર્વ દરમિયાન થયેલી ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની આશંકા
વ્યક્ત કરાઇ છે. ફરિયાદી પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતાં અને પરત આવ્યા ત્યારે ઘરના
તાળા તૂટેલા હતાં. આ કિસ્સામાં કેરટેકર મહિલા સામે જ શંકાની સોય તકાઇ છે.
ચોરીના બનાવ સંબંધે રાયસણ સ્થિત ઇન્સ્ટિટયુટ ઓફ
સિસ્મોલોજીકલ રિસર્ચમાં પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા અને ત્યાં ક્વાર્ટર
નંબર સી-૨ ૩માં રહેતાં રશ્મિસિંહ માંડલ દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં શકમંદ તરીકે
તેના પુત્રની સંભાળ માટે રાખેલી કેરટેકર મુળ રાજસ્થાનની વતની એવી રવિના શંકર
યાદવનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રશ્મિસિંહના પતિ અંકલેશ્વરમાં
ઓએનજીસીમાં નોકરી કરતા હોય રશ્મિસિંહ અહીં ત્રણ વર્ષના પુત્ર સાથે રહે છે. પુત્રની
૨૪ કલાક સંભાળ માટે તેમણે સ્ટાફ બજાર નામની એજન્સી મારફત રવિના યાદવને બે મહિનાથી
કેરટેકર તરીકે કામે રાખી હતી. ગત તારીખ ૧૭મીએ તેઓ પરિવાર સાથે ગોવા ફરવા ગયા ત્યારે
રવિનાને રજા આપી હતી. તેઓ ૨૩મીએ પરત આવ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળુ
તૂટેલુ હોય અંદર જઇને જોતા તિજોરી ખુલ્લી પડી હતી. તેમાંથી સોના અને ચાંદીના
રૃપિયા ૯.૬૩ લાખના દાગીના ચોરી થયાનું જણાતાં સોસાયટીના સ્કિયુરિટી ગાર્ડને પૂછતા
તેણે રવિનાને આવતા જતાં જોયાનું કહેતા રવિનાને ફોન કર્યો ત્યારે તેણે રાજસ્થાન
હોવાનું જણાવી ફોન કાપી નાંખ્યા બાદ મેસેજ કરીને મારી સામે ફરિયાદ કરશો, તો માનહાનીનો કેસ
કરીશ તેવી ધમકી આપી હતી. રવિનાએ પહેલા પણ તેના પુરૃષ મિત્ર માટે પગારની તારીખ
પહેલા નાણા માંગ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ સંબંધે ગુનો નોંધી ઇન્ફોસિટી
પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.










