![]()
વડોદરા,આણંદના યુવક સાથે લગ્નનું તરકટ રચી વડોદરાની લૂંટેરી દુલ્હન અને તેની માતા રોકડા એક લાખ અને સોના – ચાંદીના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ જિલ્લાના ખંભાતમાં રહેતા રાજવીર ઉર્ફે રાજુ રમણભાઇ રાઠોડ હિરા ઘસવાનું કામ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન થયા નથી. અમારા સંબંધીના ઓળખીતા મીનાબેન રાઠવા (રહે. બાજવા બ્રિજની બાજુમાં) એ મારો નંબર મનુભાઇ ભૂવાજીને આપ્યો હતો. ત્યારબાદ અમે આજવા રોડ કમલા નગર તળાવ પાસે ચાચા નેહરૃ નગરમાં રહેતા દિવ્યાંગ મીનાબેનના ઘરે ગયા હતા અને ભૂવાજીએ અમને મીનાબેનની દીકરી પુજા બતાવી હતી. છોકરી જોઇને અમે બહાર નીકળ્યા ત્યારે ભૂવાજીએ કહ્યું કે, લગ્ન માટે લેવડ – દેવડ કરવી પડશે. જેમાં બે લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના આપવા પડશે. મેં લેવડ – દેવડ વધારે હોવાનું કહી લગ્નની ના પાડી હતી. બે દિવસ પછી પુજાએ કોલ કરીને કહ્યું કે, ભૂવાજીને રહેવા દો. તમે ફરીથી વડોદરા આવો લાખ રૃપિયામાં નક્કી કરી દઇએ. અમે સગા સંબંધી સાથે પુજાના ઘરે ગયા હતા. ત્યાં એક લાખ અને દાગીના આપીને ફૂલહાર કરવાની વાત થઇ હતી. નક્કી થયા પછી ૨૨ મી સપ્ટેમ્બરે અમે ફરીથી વડોદરા આવ્યા હતા. અમે એક લાખ અને દાગીના આપ્યા પછી ફૂલહાર કરાવી અમારા લગ્ન કરાવ્યા હતા. ફૂલહાર કર્યા પછી માંડવી માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું કહી હું, પુજા, મીનાબેન તથા તેમની બીજી દીકરી રિક્ષામાં તથા અન્ય સગાઓ કારમાં બેસીને માંડવી જવા નીકળ્યા હતા. માંડવી મંદિરે જઇને બે ચક્કર મારી તેઓએ મને કહ્યું કે, તમે માતાજીને ચઢાવવા માટે ફૂલ અને હાર લઇ આવો. હું રિક્ષામાંથી ઉતરીને ફૂલ અને હાર લેવા ગયો તે દરમિયાન તેઓ રિક્ષા લઇને ભાગી ગયા હતા.










