![]()
Vadodara : વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલી રાજસ્થંભ સોસાયટીમાં એક નાની બાળકી સાથે અડપલાં થયાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જનરલ સ્ટોર ચલાવતા એક વૃદ્ધ દુકાનદારે છાસ લેવા આવેલી બાળકી સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, સોસાયટીમાં રહેતી એક બાળકી નજીકની જનરલ સ્ટોર પર છાસ લેવા ગઈ હતી. ત્યારે દુકાન સંચાલક વૃદ્ધે બાળકી સાથે અડપલાં કર્યા હોવાનું જણાવવામાં આવે છે. ઘટનાથી ગભરાયેલી બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી અને પરિવારજનોને દુકાનવાળા કાકાએ ટચ કર્યું હોવાનું જણાવ્યું હતું.
આ વાત જાણતા જ પરિવારજનો તથા સોસાયટીના રહેવાસીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો દુકાન આગળ એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે, આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બે-ત્રણ વખત બની ચૂકી છે. દુકાન સંચાલકનું વર્તન યોગ્ય નથી, તેમનું કહેવું છે કે, આરોપી ખાસ કરીને નાની બાળકીઓને નિશાન બનાવતો હતો, પરંતુ વાલીઓ સમજી-વિચારીને મામલો થાળે પાડતા હોવાથી કાર્યવાહી થતી નહોતી.
ઘટનાની જાણ થતા નવાપુરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને દુકાન સંચાલકને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને રહેવાસીઓ દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.










