![]()
Vadodara News: એક તરફ સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં સફેદ વાઘની જોડીના આગમનથી ખુશીનો માહોલ હતો, ત્યાં બીજી તરફ એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. ઝેરી સાપ કરડવાને કારણે 5 દિવસની સારવાર બાદ સિંહણ ‘સમૃદ્ધિ’નું મોત નીપજ્યું છે. આ સાથે જ સયાજીબાગ હવે સિંહ વગરનું બન્યું છે, જે વન્યપ્રેમીઓ માટે મોટા આંચકા સમાન છે.
કેવી રીતે બની ઘટના? સાપ અને સિંહણ વચ્ચે થઈ હતી ઝપાઝપી
ગત સોમવારે બપોરના સમયે સયાજીબાગના સિંહના પિંજરામાં એક ઝેરી સાપ ઘૂસી આવ્યો હતો. સિંહણ સમૃદ્ધિની નજર સાપ પર પડતા બંને વચ્ચે થોડી ક્ષણો માટે ઝપાઝપી થઈ હતી. આ સંઘર્ષ દરમિયાન સાપે સિંહણને ડંખ માર્યો હતો. સાપનું ઝેર શરીરમાં ફેલાતા સમૃદ્ધિની હાલત લથડી હતી.
12 એન્ટી-વેનમ ઇન્જેક્શન આપવા છતાં ન બચી શકી સમૃદ્ધિ
ઘટનાની જાણ થતા જ ઝૂ વિભાગના કર્મચારીઓ અને ડોક્ટરોની ટીમ હરકતમાં આવી હતી. સિંહણને બચાવવા માટે સતત 5 દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી. કુલ 12 જેટલા ઝેર વિરોધી (Anti-Venom) ઇન્જેક્શન અને બોટલ ચડાવવામાં આવ્યા.ગુરુવાર સુધી તબિયતમાં થોડો સુધારો જણાતો હતો, પરંતુ શુક્રવારે અચાનક ખેંચ આવતા સમૃદ્ધિએ દમ તોડ્યો હતો.
સયાજીબાગમાં સિંહના પિંજરા ખાલી: 5 વર્ષમાં 4 સિંહો ગુમાવ્યા
વડોદરાના આ ઐતિહાસિક પ્રાણીસંગ્રહાલયમાં છેલ્લા 5 વર્ષમાં સિંહોના મોતે પ્રાણીપ્રેમીઓમાં ચિંતા જન્માવી છે. છેલ્લા પાંચ વર્ષનો ટ્રેક રેકોર્ડ ડરામણો છે.
- 2021: ગેલ નામની સિંહણનું મોત
- 2022: સમ્રાટ સિંહનું મોત
- 2023: કુંવર સિંહનું મોત
- 2025: સમૃદ્ધિ સિંહણનું મોત
- અન્ય મોત: 2020માં હિપ્પો અને 2022માં રીંછનું પણ મોત થયું હતું.
આ પણ વાંચો: ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 60%નું ધોરણ નક્કી
તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
સયાજીબાગમાં અવાર-નવાર સાપ દેખાતા હોય છે, પરંતુ સિંહ જેવા કિંમતી વન્ય પ્રાણીના પિંજરા સુધી ઝેરી સાપ પહોંચી જાય તે સુરક્ષામાં મોટી ખામી ગણાય છે. જોકે, ઝૂ ક્યુરેટર અને તેમની ટીમ હવે નવા સિંહ લાવવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ હાલ પૂરતું સયાજીબાગ ‘કિંગ ઓફ જંગલ’ વગરનું થઈ ગયું છે.










