![]()
વડોદરાઃ વડોદરામાંથી ગૂમ થયેલા બે સગીરને શોધવા માટે પોલીસને સીસીટીવી ફૂટેજ ઉપયોગી બન્યા હતા.બંને અલગ અલગ બનાવોમાં વડોદરા પોલીસને બહારની પોલીસ પણ મદદરૃપ થઇ હતી.
સમા વિસ્તારમાં રહેતો અને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતો ૧૪ વર્ષીય વિદ્યાર્થી વાલીનો ઠપકો મળતાં ગઇ તા.૨૪મીએ ઘર છોડી ગયો હતો.જેથી ડીસીપીએ ટીમો બનાવી તપાસ કરાવતાં વિદ્યાર્થી છાયાપુરી સ્ટેશન તરફ ચાલતો જતો દેખાયો હતો.જેથી તે વખતે ત્યાંથી પસાર થતી ઓખા જતી ટ્રેનના તમામ સ્ટેશનો પરના ફૂટેજની તપાસ કરાવતાં દ્વારકામાંથી આ વિદ્યાર્થી મળી આવ્યો હતો.
આવી જ રીતે બાળ સંભાળ ગૃહમાં એક મહિના પહેલાં સ્ટેશનેથી લવાયેલો સગીર ગઇ તા.૧લીએ ભાગી ગયો હતો.તેને ગોધરાથી શોધી કાઢી પરત લવાયો હતો.પરંતુ તા.૮મીએ ફરી ભાગી ગયો હતો.જેથી ચાઇલ્ડ વેલફેર કમિટીએ પોલીસની મદદ લઇ રાજસ્થાનના કોટા ખાતેથી તેને શોધી કાઢી રાજસ્થાનમાં રહેતા પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.આ સગીર અગાઉ પણ પાંચ વાર ઘેર થી ભાગ્યો હોવાથી તેના પરિવારને સમજાવતાં નાકે દમ આવી ગયો હતો.










