![]()
મુંબઈ : જાણીતા વૈશ્વિક રોકાણકાર માર્ક મોબિયસે ભારતને પ્રથમ ક્રમની ઊભરતી બજાર તરીકે ગણાવી છે અને તેની લોકસંખ્યાના લાભ તથા ક્રાંતિકારી નિર્ણયો તેના ભાવિ વિકાસના મુખ્ય પરિબળો બની રહેશે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બુમ તથા સોના અને ક્રિપ્ટો કરન્સીઝ પર પોતાના મત વ્યકત કર્યા હતા.
વ્યાપક ધારણાંઓને લઈને એઆઈ ક્ષેત્ર હાલમાં બબલ જેવી સ્થિતિમાં છે જો કે હાલની સ્થિતિ ડોટ કોમ બબલ જેવી નથી. એઆઈ ટકી રહેશે અને મોટાભાગના ઉદ્યોગોમાં તેનું વિસ્તરણ થશે.
એઆઈ ક્રાંતિ ટકી રહેશે તે બાબતે કોઈ શંકા નથી જો કે તેમણે રોકાણકારોને આ ક્ષેત્રમાં સાવચેત રહેવા સલાહ આપી હતી. કેટલીક કંપનીઓ પોતાના નિષ્ણાતપણાંની અતિશયોક્તિ કરે છે. જે કંપનીઓ પ્રમાણિક રીતે એઆઈનો વિકાસ કરે છે તેંમના પર જ ખાસ ધ્યાન આપવા તેમણે સલાહ આપી હતી.
ક્ષેત્ર માટે મહત્વના એવા હાર્ડવેર, ચિપ્સ તથા પાવર સિસ્ટમ્સમાં પ્રવૃત્ત ખેલાડીઓ પર જ વિચાર કરવા તેમણે સૂચન કર્યું હતું.
જંગી યુવા લોકસંખ્યા તથા હાલમાં ચાલી રહેલા વિકાસ કામોને ધ્યાનમાં રાખી તેમણે વિશ્વ સ્તરે ઊભરતા રાષ્ટ્રોમાં ભારતને મહત્વનો દેશ ગણાવ્યો હતો.
તાજેતરના સુધારા છતાં, હજુ ઘણું કરવાનું બાકી હોવાનો તેમણે મત વ્યક્ત કર્યો હતો ખાસ કરીને વિદેશી ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવા વહીવટી કામગીરીને સરળ બનાવવા પર તેમણે ભાર આપ્યો હતો.
એઆઈને કારણે ભારતને નુકસાન થઈ રહ્યું છે કે કેમ એવા પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ હતું કે, ભારતની ૧.૪૦ અબજની વસતિ એઆઈના સ્વીકારમાં વધારો કરાવશે.
ચીનની વ ૈશ્વિક અસર ઓસરી રહી છે તેને ધ્યાનમાં રાખતા ભારતનું સોફટવેર તથા હાર્ડવેર ઉત્પાદન વધવાની સ્થિતિમાં છે. સોના માટે તેમણે તેજીનું ધ્યાન વ્યકત કર્યું હતું. ક્રિપ્ટોકરન્સીસ પણ ટકી રહેશે. નાણાં વ્યવસ્થા પર નિયંત્રણ રાખવા તથા સ્વતંત્ર ક્રિપ્ટોસ સામે સ્પર્ધા કરવા વિશ્વભરની કેન્દ્રીય બેન્કોને તેમની પોતાની ડિજિટલ કરન્સીઝ બહાર પાડવા પણ મોબિયસે સૂચન કર્યું હતું.










