![]()
Image Source: IANS
Delhi Blast Case: દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા બ્લાસ્ટના શંકાસ્પદ ડૉ. ઉમર નબીના પરિવારે કહ્યું કે, તેમને વિશ્વાસ નથી થતો કે તેઓ કોઈ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોય શકે છે. પોલીસના અનુસાર, પુલવામા જિલ્લાના કોઇલ ગામના રહેવાસી ડૉ. ઉમર નબી કથિત રીતે તે કારને ચલાવી રહ્યો હતો, જેમાં સોમવારે સાંજે બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા.
ડૉ. ઉમરની ભાભી મુઝમ્મિલા અખ્તરે જણાવ્યું કે, ‘તે બાળપણથી જ સંકોચી અને ભણતરમાં ધ્યાન આપનારો વ્યક્તિ હતો. ઉમર ખુબ જ શાંત સ્વભાવનો હતો, વધુ મિત્રો નહોતો બનાવતો અને હંમેશા ભણતરમાં કે કામમાં વ્યસ્ત રહેતો હતો. તે ફરીદાબાદની એક કોલેજમાં ફેકલ્ટી તરીકે કામ કરી રહ્યો હતો. શુક્રવારે તેમણે ફોન કરી કહ્યું હતું કે, પરીક્ષાના કારણે વ્યસ્ત છીએ અને ત્રણ દિવસ બાદ ઘર પરત ફરીશ.’
મુઝમ્મિલાએ કહ્યું કે, ‘અમે ખૂબ તકલીફો વેઠીને તેને ભણાવ્યો જેથી તે ખુદનો અને પરિવારનો સહારો બની શકે. આ સાંભળીને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ આવા કોઈ કામમાં સામેલ હોઈ શકે છે. ઉમર છેલ્લે 2 મહિના પહેલા કાશ્મીર આવ્યો હતો.’
આ વચ્ચે દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટ, ફ્યૂલ ઓઇલ અને ડિટોનેટરનો ઉપયોગ કરાયો. પોલીસને શંકા છે કે આ કેસ ફરીદાબાદમાં પકડાયેલા આતંકવાદી મોડ્યૂલથી જોડાયેલ હોય શકે છે, જ્યાંથી હાલમાં જ 2,900 કિલો વિસ્ફોટક અને જ્વલનશીલ પદાર્થ જપ્ત કરાયો હતો. પોલીસે આ મામલે UAPA અને વિસ્ફોટક અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે. હવે આ તપાસની જવાબદારી NIAને સોંપી દેવાઈ છે.










