![]()
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને તેના મિત્રએ એક વેપારી સાથે મિત્રતા કેળવીને તેમને કંપનીમાં થોડા સમય માટે ભાગીદાર બનાવીને ચેકમાં સહી કરાવ્યા બાદ અન્ય ચેકમાં બોગસ સહી કરીને રૂપિયા ૨૧૭ કરોડની માતબર રકમનું જીએસટી કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ નવરગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. જે અનુસંધાનમાં પોલીસે આર્થિક નિષ્ણાંતની મદદ લઇને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જેમાં આ કૌભાંડમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શાહીબાગમાં આવેલી જયમંગલ રેસીડેન્સીમાં રહેતા આદેશ્વર મહેતા આશ્રમ રોડ પર મોબાઇલ ફોનનો વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૧૪માં તેમને ધંધાકીય બાબતે વેટના અનુસંધાનમાં મુશ્કેલી પડતા તેમના મિત્ર નંદન મહેતા (રહે. રૂદ્ધીકા રૉ હાઉસ, સેેટેલાઇટ)નો સંપર્ક કરીને સારા ચાર્ટડ એકાઉન્ટન્ટ અંગે માહિતી માંગી હતી. જેથી નંદન મહેતાએ મિતુલ ઘેલાણી ( રહે. અવની ટાવર, આંબાવાડી)નો સંપર્ક કરાવી આપ્યો હતો. ત્યારબાદ મિતુલ ઘેલાણી પાસે આદેશ્વરભાઇ તેમના ઓડિટનું કામ કરાવતા હતા.
વર્ષ ૨૦૨૦માં નંદન મહેતા આદેશ્વરભાઇને મળવા માટે તેમની ઓફિસ પર આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે હિંમતનગરમાં આવેલી કોટન જીનીંગ કંપનીમાં તેમની પત્ની ભાગીદાર છે. પરંતુ,એક જમીનનો કેસ ચાલતો હોવાથી તેમની પત્નીને ધક્કા ખાવા પડે છે. જેથી મિત્રતાના નાતે થોડા સમય માટે કંપનીમાં ડાયરેક્ટર તરીકે જોડાવવા માટે વિનંતી કરતા આદેશ્વરભાઇએ વિશ્વાસ કરીને હા પાડતા નંદન મહેતા તેમને સીએ મિતુલ ઘેલાણીની ઓફિસ પર લઇ ગયો હતો. જ્યાં કેટલાંક કાગળ પર સહી કરી આપી હતી અને વેટ સંબધિત તકરાર ચાલતી હોવાથી નવરંગપુરા સ્વસ્તીક ચાર રસ્તા પાસે આવેલી મહેસાણા અર્બન કો.ઓ. બેંકમાં મહેતા માર્કેટીંગના નામનું એકાઉન્ટ ખોલાવ્યું હતું.
ત્યારબાદ વર્ષ ૨૦૨૨માં આદેશ્વરભાઇએ કંપનીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. વર્ષ ૨૦૨૪માં મિતુલ ઘેલાણીએ આદેશ્વરભાઇને ઓફિસ પર બોલાવ્યા હતા અને કહ્યું હતું કે કંપનીમાં જીએસટીની તકરાર ચાલી રહી છે. જેથી તમારી જુના ડાયરેક્ટર તરીકે સહી જોઇએ છે. જેથી ફરી વિશ્વાસ રાખીને આદેશ્વરભાઇએ સહી કરી આપી હતી. પરંતુ, ગત જાન્યુઆરી ૨૦૨૫માં આદેશ્વરભાઇને જીએસટી વિભાગનો ઇમેઇલ આવ્યો હતો. જેમાં કોઇ હુકમ હતો. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મિતુલ અને નંદન મહેતાએ મહેસાણા અર્બન કો. ઓ. બેંકના એકાઉન્ટમાં આદેશ્વરભાઇની જાણ બહાર ચેકમાં ખોટી સહી કરીને જીએસટી બચાવવા માટે કુલ ૨૧૦ કરોડના આર્થિક વ્યવહારો કર્યા હતા.
જે અંગે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા શરૂ કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને ગઠિયાઓએ અન્ય લોકોના નામે પણ બોગસ એકાઉન્ટ ખોલીને કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ આચર્યુ છે. જે અંગે આગામી દિવસમાં મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત છે.










