![]()
– ઢસા અને આજુબાજુના ગામોના લોકો-ઉદ્યોગકારોને સુવિધા મળી શકે
– ભાવનગર અને અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર આવેલું ગામ હોવાથી મહત્ત્વનું મથક, ચેમ્બર ઓફ કોમર્સે ડીઆરએમને પત્ર લખ્યો
ભાવનગર : ભાવનગર રેલવે મંડળની વેરાવળ-બનારસ ટ્રેનને ઢસા (જં) ખાતે સ્ટોપેજ આપવાની માંગણી સાથે ચેમ્બર ઓફ કોમર્સે ડીઆરએમને પત્ર લખ્યો છે.
વેરાવળ (સોમનાથ)-બનારસ ટ્રેનને જેતલસર, કુકાવાવ, વડીયા, ચિત્તલ, ખીજડિયા, લાઠી, ધોળા જેવા સ્ટેશનો પર સ્ટોપ આપવામાં આવ્યો છે. જો આ ટ્રેનને ઢસા (જં) ખાતે હોલ્ટ અપાઈ તો ઢસા અને આજુબાજુના ગામોના લોકો અને સ્થાનિક ઉદ્યોગકારોને સુવિધા મળી શકે તેમ હોય, આ બાબતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર ડીઆરએમને રજૂઆત કરી ઢસા (જં)માં સ્ટોપેજ આપવાની માંગ કરાઈ છે. વધુમાં ઢસા ભાવનગર અને અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર આવેલું ગામ છે. અહીં ૧૫થી ૨૦ ગામના લોકો હટાણું કરવા આવે છે. જીનિંગ, પ્રેસિંગ, ઓઈલ મિલ અને હ્યુમ બનાવવા માટેના અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. નજીકમાં જ ટીંબી ગામની નિર્દોષાનંદજી હોસ્પિટલ આવેલી હોવાથી દર્દીઓને પણ સુવિધા મળી શકે તેમ છે.










