![]()
વડોદરા : જવાહરનગર વિસ્તારમાં રહેતી સગીર કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી
જવામાં આવ્યા બાદ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતાં કિશોરીએ બાળકને જન્મ
આપ્યો હતો. આ કેસમાં લાંબા સમય સુધી ફરાર રહેલા આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી
પાડવામાં આવ્યા બાદ તેણે જામીન અરજી મૂકતા
અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, બિપિન ઉર્ફે વિપિન તિવારી નામનો શખ્સ વર્ષ
૨૦૨૩માં સગારી કિશોરીને ભગાડી જતા કિશોરીના વાલીએ જે તે સમયે જવાહરનગર પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં
પોલીસે આરોપી તેમજ કિશોરીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કિશોરીએ તેના માતા-પિતાના ઘરે જવાની ઇચ્છા
વ્યક્ત કરી હતી. કોર્ટમાં હાજર કિશોરીના માતા-પિતાએ પણ કોર્ટમાં સોંગંદ પર તેઓ
તેમની દીકરી અને તેના સંતાનનું ધ્યાન રાખશે તેવી ખાતરી આપી હતી. જો કે, ત્યાર બાદ થોડા દિવસો બાદ કિશોરીના માતા-પિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે,
તેમની દીકરી ઘરે નથી અને બાળકનું મોત થયું છે.
બીજી તરફ આરોપીને જે તે સમયે જામીન મળતા તે પણ ફરાર થઇ ગયો હતો
એટલે અદાલતે આરોપી તેમજ પીડિત કિશોરી સામે વોરંટ કાઢ્યું હતું અને તેના આધારે
આરોપીની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા
આરોપીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલ એચ.આર.જોષી હાજર રહ્યા હતા
અને રજૂઆત કરી હતી કે, આ કેસમાં બાળકનું શંકાસ્પદ મોત થયું હોઇ જામીન
અરજી રદ કરવી જોઇએ. ન્યાયાધીશે ટ્રાયલ
અંતિમ તબક્કામાં ચાલી રહી હોઇ આરોપીની જામીન અરજી રદ કરી હતી.










