![]()
ગાંધીનગરના માર્ગો
ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે
અકસ્માત સર્જનાર યુવાન દ્વારા જ વૃદ્ધના પરિવારને જાણ કરવામાં આવી ઃ સેક્ટર -૭ પોલીસ દ્વારા ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે શહેરના સેક્ટર ૬-૭ના કટ પાસે મોપેડ સવારે વૃદ્ધને બાઈક ચાલક દ્વારા હડફેટે
લેવામાં આવ્યા હતા અને જે ઘટનામાં ઘાયલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. જેના
પગલે પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર
અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સેક્ટર ૬-૭ કટ પાસે સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ
વૃદ્ધનું મોત થયું છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સેક્ટર-
૧માં રહેતા તપન નિત્યાનંદભાઈ પંડયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત બે
સપ્ટેમ્બરના રોજ તેઓ તેમના ઘરે હાજર હતા તે સમયે તેમના સસરા સત્યનારાયણ મોરારીલાલ
શાહના મોબાઈલ ઉપરથી એક વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે હું હર્ષ બોલું છું અને
આ ફોન વાળા દાદાને સેક્ટર ૬ ૭ના કટ પાસે મારા બાઈકથી ટક્કર વાગી જતા શરીરે ઈજાઓ
પહોંચી છે. જેથી તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના સસરાને
તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ
જવામાં આવ્યા હતા. જ્યાં આ બાઈક સવાર દ્વારા તેનું નામ હર્ષ ભાવેશભાઈ વ્યાસ
હોવાનું અને કુડાસણ ખાતે આવેલી શુકન સિલ્વર વસાહતમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.
જોકે તેમના સસરાને સારવાર દરમિયાન આજે વહેલી સવારે તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં
આવ્યા હતા. જેના પગલે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા બાઈક ચાલક યુવાન સામે ગુનો દાખલ
કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.










