![]()
મુંબઈ : ક્રિસમસ પૂર્વે શેર બજારોમાં હોલી-ડે મૂડ અને અમેરિકામાં ટ્રમ્પ સરકારે એચ૧બી વીઝા માટેની લોટરી સિસ્ટમ બંધ કરતાં વૈશ્વિક આઈટી ઉદ્યોગ સાથે ભારતીય આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ માટે ચિંતાએ આજે ફંડોનું આઈટી શેરો પાછળ પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ઈન્ડેક્સ બેઝડ સાંકડી વધઘટે બજાર હોલી-ડે મૂડમાં આવી ગયું હોય એમ સેક્ટરલ ઘણા શેરોમાં નિરસતા છવાઈ હતી. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ચાઈનાથી ચીપની આયાત પર પણ ટેરિફ વધારવાના આપેલા સંકેતને લઈ આજે ફંડો, મહારથીઓ નવી ખરીદીથી દૂર રહ્યા હતા. ફંડોની હેલ્થકેર, કેપિટલ ગુડઝ-પાવર, બેંકિંગ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીને વિરામ આપીને આંશિક પ્રોફિટ બુકિંગ કર્યું હતું. સેન્સેક્સ ૧૧૬.૧૪ પોઈન્ટ ઘટીને ૮૫૪૦૮.૭૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૫.૦૫ પોઈન્ટ ઘટીને ૨૬૧૪૨.૧૦ બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી વધતી જોવાઈ હતી. ક્રિસમસ નિમિતે આજે-ગુરૂવારે ૨૫, ડિસેમ્બરના શેર બજારો બંધ રહેશે.
આઈટી ઈન્ડેક્સ ૧૬૬ પોઈન્ટ ઘટયો : ઈન્ફોબિન રૂ.૪૩ તૂટી રૂ.૭૫૫ : ઓરિઓનપ્રો, કોફોર્જ ઘટયા
અમેરિકાએ એચ૧બી વીઝા લોટરી સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય લેતાં અને ચીપની ચાઈનાથી આયાત પર આકરાં ટેરિફના નિર્ણયે ફંડો આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં નવી ખરીદીથી દૂર નફારૂપી વેચવાલ રહ્યા હતા. ઈન્ફોબિન રૂ.૪૨.૮૫ તૂટીને રૂ.૭૫૫.૯૫, ઓરિઓનપ્રો રૂ.૩૬.૬૦ ઘટીને રૂ.૧૧૨૯.૧૦, કોફોર્જ રૂ.૪૧.૩૫ ઘટીને રૂ.૧૭૩૭.૪૫, ડાટામેટિક્સ રૂ.૧૮.૨૫ ઘટીને રૂ.૮૪૪.૬૦, સિએન્ટ રૂ.૨૩.૩૦ ઘટીને રૂ.૧૧૨૧.૮૫, ઝેગલ પ્રિપેઈડ રૂ.૫.૯૫ ઘટીને રૂ.૩૫૨.૭૫, એમ્ફેસીસ રૂ.૪૫.૭૫ ઘટીને રૂ.૨૮૯૨.૨૫, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૯.૧૫ ઘટીને રૂ.૪૫૦.૩૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈનડેક્સ ૧૬૫.૮૧ પોઈન્ટ ઘટીને ૩૭૭૫૬.૯૫ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની નફારૂપી વેચવાલી : ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ, એચપીસીએલ ઘટયા
ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરી હતી. અમેરિકાના વેનેઝુએલાને ભીંસમાં લઈ યુદ્વમાં જોતરવાના પગલાંને લઈ વૈશ્વિક ઓઈલ સપ્લાય પર અસર પડવાના અંદાજો છતાં બીજી તરફ વૈશ્વિક મંદીના ભયે ઓઈલ માંગ મંદ પડવાના અંદાજોએ આજે ફંડો તેજીથી દૂર રહ્યા હતા. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૨ ઘટીને રૂ.૧૬૧.૧૫, બીપીસીએલ રૂ.૪.૧૫ ઘટીને રૂ.૩૬૫.૬૫, એચપીસીએલ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૪૭૦.૪૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૯૫ ઘટીને રૂ.૧૫૫૭.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૧૪.૯૫ પોઈન્ટ ઘટીને ૨૭૯૫૬.૪૫ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીને બ્રેક : ડિક્સન રૂ.૨૦૦ તૂટયો : ક્રોમ્પ્ટન, એશીયન પેઈન્ટ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ તેજીને બ્રેક લાગી આજે ફંડો વેચવાલ રહ્યા હતા. ડિક્સન ટેકનોલોજી રૂ.૨૦૦.૧૫ ઘટીને રૂ.૧૨,૬૩૦.૬૦, ક્રોમ્પ્ટન રૂ.૨.૩૦ ઘટીને રૂ.૨૫૭.૩૦, એશીયન પેઈન્ટસ રૂ.૨૨.૭૫ ઘટીને રૂ.૨૭૮૫.૫૦, ટાઈટન રૂ.૧૪.૦૫ ઘટીને રૂ.૩૯૦૮.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૨૦.૪૫ પોઈન્ટ ઘટીને ૫૯૯૯૫.૭૯ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં સાવચેતી : નેક્ટરલાઈઇફ, આરતી ફાર્મા, વિમતા લેબ્સ, ગ્લેન્ડ, થેમીસ મેડી, બ્લિસ ઘટયા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે નવી ખરીદીમાં સાવચેતીએ તેજીને વિરામ મળ્યો હતો. નેક્ટરલાઈફ રૂ.૧.૧૧ તૂટીને રૂ.૨૧.૧૯, સ્ટ્રાઈડ્સ ફાર્મા રૂ.૩૧.૫૦ ઘટીને રૂ.૯૩૮.૪૦, આરતી ફાર્મા રૂ.૧૯.૬૦ ઘટીને રૂ.૭૬૦.૪૦, વિમતા લેબ્સ રૂ.૧૫.૮૦ ઘટીને રૂ.૬૧૯.૯૦, ગ્લેન્ડ રૂ.૩૬.૬૦ ઘટીને રૂ.૧૬૪૯.૪૦, થેમીસ મેડી રૂ.૨.૧૫ ઘટીને રૂ.૧૦૨.૭૦, બ્લિસ જીવીએસ રૂ.૩.૨૫ ઘટીને રૂ.૧૭૫.૮૦, કોપરાન રૂ.૨.૬૫ ઘટીને રૂ.૧૫૦.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૩૭.૪૦ પોઈન્ટ ઘટીને ૪૪૦૩૦.૩૭ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં તેજીને બ્રેક : કિર્લોસ્કર એન્જિન રૂ.૩૭, અપાર રૂ.૨૧૧, કમિન્સ રૂ.૯૨ ગબડયા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ તેજીને બ્રેક લાગી હતી. કિર્લોસ્કર એન્જિન રૂ.૩૭.૪૦ તૂટીને રૂ.૧૨૬૩.૬૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧૦.૮૦ ઘટીને રૂ.૮૬૭૮.૮૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૯૧.૯૦ ઘટીને રૂ.૪૪૦૯.૫૫, એસ્ટ્રલ રૂ.૨૦.૨૫ ઘટીને રૂ.૧૩૯૬.૫૫, ભેલ રૂ.૩.૭૦ ઘટીને રૂ.૨૭૮.૧૦, સિમેન્સ રૂ.૩૬.૮૦ ઘટીને રૂ.૩૦૯૬.૨૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૨૦ ઘટીને રૂ.૩૩૨૧.૨૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૦.૪૬ પોઈન્ટ ઘટીને ૬૭૫૦૩.૭૯ બંધ રહ્યો હતો.
વીઆઈપીમાં પ્રમોટરે હોલ્ડિંગ વેચતાં શેર રૂ.૪૩ ઉછળ્યો : જેબીએમ ઓટો, કાંસાઈ નેરોલેક વધ્યા
ખરાબ બજારે આજે પસંદગીના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. વીઆઈપીમાં પ્રમોટર દ્વારા ૨૬ ટકા હોલ્ડિંગ વેચવામાં આવ્યાના અહેવાલે શેર રૂ.૪૩.૪૦ ઉછળીને રૂ.૪૦૮.૧૫ રહ્યો હતો. જેબીએમ ઓટો રૂ.૬૨.૪૫ વધીને રૂ.૬૪૦.૩૫, વેબેલ સોલાર રૂ.૮.૫૦ વધીને રૂ.૯૪, કાંસાઈ નેરોલેક રૂ.૨૦.૪૫ વધીને રૂ.૨૪૪.૭૦, હિન્દુસ્તાન કોપર રૂ.૨૮.૬૫ વધીને રૂ.૪૩૬.૫૦, મન્નપુરમ રૂ.૧૯.૮૦ વધીને રૂ.૩૧૪.૪૦, નુવામા રૂ.૩૩૦.૭૦ વધીને રૂ.૭૬૧૩.૩૫, ઓલેક્ટ્રા રૂ.૫૧.૬૫ વધીને રૂ.૧૨૪૮.૨૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં વધતું પ્રોફિટ બુકિંગ : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૩૯૪ શેરો નેગેટીવ બંધ
તેજીને વિરામ સાથે ઘણા શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયા છતાં ઘણા શેરોમાં નફો ઘરભેગો કરવાના માનસે ભાવો ઘટતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૩૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૪૬થી ઘટીને ૧૭૯૮ અને ઘટનારની સંખ્યા ૧૯૬૨થી વધીને ૨૩૯૪ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭૦ હજાર કરોડ ઘટીને રૂ.૪૭૫ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં નરમાઈ સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીના દબાણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે સાધારણ રૂ.૭૦ હજાર કરોડ ઘટીને રૂ.૪૭૫ લાખ કરોડ રહ્યું હતું.










