![]()
– સોનું વધી 4500 ડોલર નજીક જ્યારે ચાંદી 80 ડોલર નજીક
– કોપર 13 હજાર ડોલર બોલાતાં નવો રેકોર્ડ: અન્ય દેશો સાથે કરાતા ફ્રી-ટ્રેડ કરારમાં ભારત સોના-ચાંદીને બાકાત રાખશે એવા નિર્દેશો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી ઝડપથી આગળ વધતાં નવા ઉછાળાઓ જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધી આવી હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૪૧૩થી ૪૪૧૪ વાળા વધી ઉંચામાં ભાવ ૪૪૭૫ થઈ ૪૪૬૩થી ૪૪૬૪ ડોલર બોલાઈ રહ્યા હતા. વિશ્વ ભરમાં અરાજકતા જેવી સ્થિતિ વચ્ચે સોનામાં સેફ-હેવન સ્વરૂપની માગ વધ્યાની ચર્ચા હતી.
દરમિયાન, વિશ્વ બજાર પાછળ અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૧૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૧૫૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૪૦૦૦ વધી રૂ.૨૪૨૦૦૦ રહ્યા હતા. ચાંદીના ભાવ બે દિવસમાં ઝડપી રૂ.૯૦૦૦ ઉછળતાં બજારના જાણકારો પણ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૭૪.૯૨થી ૭૪.૯૩ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૭૯.૩૭ થઈ ૭૮.૩૬થી ૭૮.૩૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, ચાંદી ઉપરાંત કોપર તથા એલ્યુમિનિયમના ભાવ ઉછળતાં સોલાર પાવર ક્ષેત્રમાં ઉત્પાદન ખર્ચ વધી ગયાનું જાણકારો જણાવી રહ્યા હતા. આવા માહોલમાં હવે સોલાર પાવર મોંઘી થવાની ગણતરી પણ બજારમાં બતાવાઈ રહી હતી. વૈશ્વિક કોપરના ભાવ ઉછળી ટનના ૧૩ હજાર ડોલરની સપાટીને આંબી જતાં નવો રેકોર્ડ સર્જાયો હોવાના નિર્દેશો હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૬૩૬૧ થઈ રૂ.૧૩૬૧૧૨ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૩૬૯૦૯ થઈ રૂ.૧૩૬૬૬૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૪૪૭૮૮ થઈ રૂ.૨૪૩૧૫૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા હતા. વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ વધુ ૦.૭૧ ટકા વધ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંસના ઉછળી ઉંચામાં ભાવ ૨૩૦૦ કુદાવી ૨૩૪૨ થઈ ૨૩૨૭થી ૨૩૨૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૭૫૨ થઈ ૧૭૪૩થી ૧૭૪૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉંચામાં બેરલના ૬૨ ડોલર પાર કરી ૬૨.૧૫ થઈ ૬૨.૦૨ ડોલર રહ્યા હતા.
સોનું-૧,૪૧૨૦૦ ચાંદી -૨,૪૨૦૦૦










