![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ગુડી પડવાના તહેવાર પૂર્વે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધતાં બજારમાં તહેવારની માગ સારી રહેવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. જોકે ગયા વર્ષના ગુડી પડવાના દિવસના ભાવની સરખામણીએ આ વર્ષે ગુડી પડવાના સોનાના ભાવ રૂ.૬૫થી ૬૬ હજાર ઉંચા રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૫૦૧૭થી ૫૦૧૮ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૮૭૪ થઈ ૪૮૭૫થી ૪૮૭૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા હતી.
દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૮૦.૮૨ થી તૂટી ૭૭.૭૭ ડોલર થઈ ૭૭.૮૩થી ૭૭.૮૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૫નાં રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૦૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ તૂટી રૂ.૨૫૫૦૦૦ રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૮૦૦ ઘટયા હતા. જ્યારે ચાંદીના ભાવ રૂ.૨૫૦૦ તૂટયા હતા. મુંબઈ સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૪૨૫૯ તથા ૯૯૯ના રૂ.૧૫૪૮૭૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટીવગર રૂ.૨૪૯૯૦૭ રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦૦ ઘટી રૂ.૬૭૫૪૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ તૂટી ૨૦૪૬ ડોલર તથા પેલેડીયમના ભાવ ઘટી ૧૫૫૪ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ ૧.૨૯ ટકા માઈનસમાં હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૦૨.૩૭થી ઉછળી બેરલના ઉંચામાં ૧૦૮.૬૦ બોલાયા હતા. ઈરાન યુદ્ધ વકરી રહ્યાના સમાચાર હતા. ક્રૂડના ઉંચા ભાવના પગલે ભારતના જીડીપી ગ્રોથને ફટકો પડવાની ભીતિ જાણકારો બતાવતા હતા.










