![]()
૨૦૨૬ના નવા વર્ષમાં વૈશ્વિક સોનું વધી ૫૦૦૦ ડોલર થશેઃ ડોઈશે બેન્ક
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી ઝડપી ગતીએ આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર નવો ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં તેજીએ ફરી વેગ પક્ડયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૩૦૦ તથા ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૨૦૦૦ ઉછળ્યા હતા. અમદાવાદ બજારમાં બે દિવસમાં સોનાના ભાવ રૂ.૨૯૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૫૦૦૦ વધી ગયા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૧૩૩થી ૪૧૩૪ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૪૧૭૨થી ૪૧૭૩ ડોલર સુધી પહાચ્યાના નિર્દેશો હતા.
અમેરિકામાં વિવિધ આર્થિક આંકડાઓ નબળા આવતાં ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ મળ્યા હતા. અમેરિકામાં કન્ઝયુમર કોન્ફીડન્સનો ઈન્ડેક્સ ઘટતાં એપ્રિલ મહિના પછીનો સૌથી મોટો ઘટાડો આ વખતે દેખાયો હતો. ત્યાં ખાનગી કંપનીઓ દ્વારા જોબકટ સાપ્તાહિક ધોરણે વધી ૧૩થી ૧૪ હજાર થતાં જોબ માર્કેટમાં પણ નબળાઈ દેખાઈ હતી.
ત્યાં રિટેલ સેલના આંકડા પણ અપેક્ષાથી નબળા આવ્યા હતા. હવે ત્યાં જીડીપીના આંકડા તથા ફુગાવાના આંકડાઓ પર બજારની નજર રહી હતી. દરમિયાન, સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૧.૨૦થી ૫૧.૨૧ વાળા વધી ૫૨.૬૨ થઈ ૫૨.૫૮ થી ૫૨.૫૯ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૨૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૦૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૧૬૧૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૫૨ વાળા ૧૫૭૭ થઈ ૧૫૬૫થી ૧૫૬૬ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૧૩૯૯ વાળા ૧૪૧૬થી ૧૪૧૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૧૦થી ૨.૧૫ ટકા ઉંચકાયા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૪૬૧૮ વાળા રૂ.૧૨૫૫૭૬ થયા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૫૧૧૯ વાળા રૂ.૧૨૬૦૮૧ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૫૬૩૨૦ વાળા ઉછલી રૂ.૧૫૯૦૨૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાંમ જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, ડયુશ બેન્કના જણાવ્યા મુજબ ૨૦૨૬માં આવતા વર્ષે વૈશ્વિક સોનાના ભાવ વધી ઔંશના પાંચ હજાર ડોલર થવાની શક્યતા જણાય છે. જો કે આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૨.૧૧ થઈ ૬૨.૬૨ ડોલર રહ્યા હતા. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા વધતાં તથા અમેરિકાના વિવિધ આંકડાઓ નબળા આવતાં ક્રૂડના ભાવ ઘટી ચાર સપ્તાહના તળિયે ઉતર્યા હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૯.૨૩ વાળા વધી રૂ.૮૯.૨૯ થઈ છેલ્લે ભાવ ૮૯.૨૭ રહ્યા હતા. શેરબજાર ઉછળવા છતાં રૂપિયો નબળો પડયો હતો. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ નીચામાં ૯૯.૬૦ તથા ઉંચામાં ૯૯.૮૭ થઈ ૯૯.૮૨ રહ્યો હતો. બ્રિટીશ પાઉન્ડ ૪૧ પૈસા વધી ૧૧૭.૬૧ જ્યારે યુરોના ભાવ ૩૯ પૈસા વધી રૂ.૧૦૩.૩૧ રહ્યા હતા.










