![]()
કોરમ પુરૂ નહી હોવાને લીધે નીતિ વિષયક નિર્ણયો લઈ શકાતા નથી : કોલેજો, ભવનો અને શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણૂંક કરવામાં યુનિ.નું તંત્ર નિષ્ફળ, કોમન એક્ટનો અમલ માત્ર કાગળ પર
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.ની બોર્ડ ઓફ મેનેજમેન્ટને કેન્દ્રીય સતામંડળ તરીકે ઓળખવામાં આવે છે. આ કેન્દ્રીય સતામંડળનો યુનિ.નાં હિતમાં તમામ નિર્ણયો લેવાના હોય છે. રાજય સરકાર દ્વારા નવા યુનિ. કોમન એક્ટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્માં કુલ 16 સભ્યોની નિયુક્તિ કરવાની હોય છે. પરંતુ કમનસીબે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આજ સુધીમાં ચાર સભ્યોની નિમણુંક કરી હતી તેમાંથી બે સભ્યોની જુદા જુદા કારણથી બાદબાકી થઈ જતાં હવે માત્ર બે સભ્યો રહ્યાં છે. જેના કારણે કોરમ પુર થતુ નહી હોવાથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ જેવું સતામંડળ માત્ર કાગળ ઉપર રહ્યું હોય તેવી છાપ ઉપસી રહી છે.
રાજય સરકારના યુનિ. કોમન એક્ટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં જુદા જુદા ભવોનાં હેડના પ્રતિનિધિની 1 બેઠક વિદ્યાશાખાના ડીનની 2 કોલેજનાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટની 1 યુનિ.ના ટીચર્સની 2 કોલેજ ટીચર્સની 2 કોલેજનાં મેનેજમેન્ટ પ્રતિનિધિની 2, રજીસ્ટર્ડ ગ્રેજયુએટની 2, એકેડેમીક કાઉન્સીલના સભ્યોની 2, રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિની 1 અને 1 શિક્ષણક્ષેત્રમાં જાણીતા મહાનુભાવની નિયુક્તિ કરવાની હોય છે. વર્ષ 2014 ના ઓગષ્ટ મહિનામાં યુનિ. કોમન એક્ટ અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના યુનિ. કેમ્પસમાં જુદા જુદા 4 અધ્યાપકોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં હેડશિપ બદલાતા બે સભ્યો હોદ્દાની રૂએ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી નીકળી ગયા હવે માત્ર એક મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન અને એક સીનીયર અધ્યાપક બે જ સભ્યો રહ્યાં છે. બાકીના સભ્યોની નિમણુંક બાકી છે. જયાં સુધી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પુરતા સભ્યોની નિમણુંક ન થાય ત્યાં સુધી યુનિ. નીતિવિષયક નિર્ણયો લઈ શકતી નથી. યુનિ. આ સ્થિતિમાં યુનિ. કોમન એક્ટનો અમલ જાણે કાગળ ઉપર રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળે છે.










