![]()
વડોદરા : હન્દુ મહિલાએ તેના મુસ્લિમ ધર્મના ભાઇને કરી આપેલી વસીયતનું
પ્રોબેટ સર્ટિફિકેટ મેળવવા માટે વારસદારે કોર્ટમાં દાવો દાખલ કરી દાદ માંગતા
અદાલતે દાવો રદ કર્યો હતો.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,ભારતીય
વારસાઈ અધિનિયમ મુજબ પ્રોબેટની પ્રક્રિયામાં વસિયતનામાની સત્યતા અને વહીવટકર્તાની
સત્તા મુખ્ય હોય છે. આ કેસમાં વાદી કોઈ પણ કાયદાકીય હક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા
હોવાથી દાવો રદ કરવામાં આવે છે.
દાવાની વિગત એવી છે કે,વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા પદમાબેન પટેલે
વર્ષ ૨૦૧૧માં એક વસિયતનામું (વીલ) બનાવ્યું હતું. આ વસિયતમાં તેમણે તાંદલજા
વિસ્તારમાં રહેતા નુરમહંમદ રાવને પોતાના ધર્મના ભાઈ ગણીને તેમનું શ્રીનવનાથ કો.ઓ.હા.સોસા.નું મકાન તેના નામે
કર્યું હતું. પદમાબેનનું અવસાન ૨૦૨૧માં થયું અને તેના થોડા જ દિવસોમાં
નુરમહંમદભાઈનું પણ અવસાન થયું. જેના કારણે નુરમહંમદભાઈના પુત્ર ઇકબાલ રાવે આ
મિલકતનું પ્રોબેટ સટફિકેટ મેળવવા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
આ કેસમાં વાદી ઇકબાલ રાવ તરફે રજૂઆત થઇ હતી કે, પદમાબેનના
કોઈ સીધા વારસદારો ન હોવાથી તેમના પિતાએ તેમની જીવનભર સેવા-ચાકરી કરી હતી, જેના ફળસ્વરૃપે પદમાબેને ખુશીથી આ વસિયત કરી હતી. બીજી તરફ, પ્રતિવાદી તરીકે પદમાબેનના સગા ભત્રીજા કમલેશભાઈ પટેલે આ દાવાનો સખત વિરોધ
કર્યો હતો. પ્રતિવાદીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, પદમાબેન ક્યારેય આવા કોઈ ભાઈના સંપર્કમાં નહોતા અને આ વસિયતનામું શંકાસ્પદ
છે. વધુમાં, જે વિસ્તારમાં મિલકત આવેલી છે ત્યાં અશાંતધારો
લાગુ પડે છે, જેથી આવી રીતે મિલકતની તબદીલી કાયદાકીય રીતે
માન્ય રાખી શકાય નહીં.
(બોક્સ)
પ્રોબેટ સર્ટિફિકેટ માત્ર વહીવટકર્તાને જ મળી શકે ઃ અદાલત
વડોદરાની સિવિલ કોર્ટે પ્રોબેટ દાવો રદ કરતા ચૂકાદામાં મહત્વની
કાયદાકીય નોંધ કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે, ઇન્ડિયન સક્સેસન એક્ટ
(ભારતીય વારસાઈ અધિનિયમ) મુજબ પ્રોબેટ સટફિકેટ માત્ર વસિયતમાં નિમાયેલા ‘એક્ઝિક્યુટર‘ (વહીવટકર્તા) ને જ મળી શકે છે. આ
કેસમાં પદમાબેને વસિયતમાં કોઈ એક્ઝિક્યુટરની નિમણૂક કરી ન હતી. વધુમાં, વાદી ઇકબાલ રાવ એ વસિયતનામાના લાભાર્થીના પુત્ર છે, પરંતુ
તેઓ પોતે વહીવટકર્તા નથી. માત્ર વારસદાર હોવાના નાતે સીધું પ્રોબેટ માંગી શકાય
નહીં.










