નવી દિલ્હી,
તા. ૫
૨૦૨૪માં ભારતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની
સંખ્યા ૨૦૨૪માં ૨.૩ ટકા વધીને ૧.૭૭ લાખથી વધી ગઇ હતી. જેનો અર્થ થાય છે કે માર્ગ
અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત થયા હતાં.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ એક
પ્રશ્રનાં ઉત્તરમાં જણાવ્યું હતું કે ફેબુ્રઆરી ૨૦૨૦માં સડક સુરક્ષા પર ત્રીજા
વૈશ્વિક મંત્રી સ્તરીય સંમેલનમાં સ્વીકારવામાં આવેલા ‘સડક સુરક્ષા પર
સ્ટોકહોમ ઘોષણાપત્ર‘માં ૨૦૩૦
સુધી માર્ગ અકસ્માતોમાં થનારા મોત અને ઇજાઓને ૫૦ ટકા સુધી ઘટાડવાનો એક વૈશ્વિક
લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ગડકરીએ જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો
પાસેથી મળેલી માહિતી અનુસાર કેલેન્ડર વર્ષ ૨૦૨૪ દરમિયાન દેશમાં તમામ શ્રેણીની સડકો
પર અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા ૧,૭૭,૧૭૭ હતી.
જેમાં ઇડીએઆર પોર્ટલ પરથી લેવામાં આવેલ પશ્ચિમ બંગાળનું
ડેટા પણ સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ દરમિયાન દેશમાં
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ વિભાગે કુલ ૪,૮૦,૫૮૩ માર્ગ
અકસ્માતો નોંધ્યા હતાં. જેમાં ૧,૭૨,૮૯૦ લોકોનાં મોત
થયા હતાં અને ૪,૬૨,૮૨૫ લોકો ઘાયલ
થયા હતાં.
પ્રધાને જણાવ્યું હતું કે વર્લ્ડ રોડ સ્ટેટિસ્ટિક્સ ૨૦૨૪
અનુસાર ચીનમાં પ્રતિ લાખ વસ્તી પર માર્ગ અકસ્માતોમાં મોતનો દર ૪.૩ ટકા અને
અમેરિકામાં ૧૨.૭૬ ટકા છે. જ્યારે ભારતમાં આ દર ૧૧.૮૯ ટકા છે.
ગડકરીએ જણાવ્યું છે કે સરકારે સડક સુરક્ષાનાં મુદ્દાનાં
ઉકેલ માટે ૪ ‘ઇ‘ એટલે કે એજયુકેશન
(શિક્ષણ), એન્જિનિયરિંગ
(સડક અને વાહન બંનેનું), એન્ફોર્સમેન્ટ
અને ઇમરજન્સી કેર પર આધારિત બહુઆયામી રણનીતિ બનાવી છે.










