![]()
વડોદરા : કરજણ તાલુકાના રામવાડી આશ્રમમાં વર્ષ ૧૯૯૭માં બનેલી ચકચારી લૂંટ
અને હત્યાની ઘટનામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા બે આરોપીઓને કરજણની અદાલતે ભાગેડુ
જાહેર કર્યા છે. ૨૯ વર્ષ જૂના આ ગંભીર ગુનામાં કોર્ટે કડક વલણ અપનાવતા આરોપીઓની
મિલકતો જપ્ત કરવાનો પણ આદેશ કર્યો હતો અને આરોપીઓના માતા-પિતા અને ભાઈ જેવા નજીકના
સંબંધીઓને કોર્ટ સમક્ષ હાજર થવા માટે નોટિસ કાઢવાનો આદેશ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, તા. ૨ જૂન ૧૯૯૭ના રોજ મોડી રાત્રે કરજણ ગામની
સીમમાં આવેલા રામવાડી આશ્રમમાં લૂંટારુ
ટોળકી પાળિયા જેવા ઘાતક હથિયારો સાથે ત્રાટકી હતી. લૂંટારુઓએ આશ્રમની દાનપેટી તોડી
૨૦૦ રૃપિયાની લૂંટ કરી હતી, પરંતુ આ દરમિયાન આશ્રમમાં સૂતેલા
લોકો પર હિંસક હુમલો કરતા ૪ થી ૫ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ હુમલામાં
હીરાભાઈ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જેના પગલે કરજણ
પોલીસે હત્યા અને ધાડ સહિતની કલમ હેઠળ ગુનો દાખળ કરી જે તે સમયે જબ્બાર ઉર્ફે હૈદરઅલી પઠાણ અને સલીમખાન પઠાણની
ધરપકડ કરી હતી.
લાંબા સમયથી જામીન પર મુક્ત થયા બાદ આ બંને આરોપીઓ કોર્ટની
કાર્યવાહીમાં હાજર રહેતા ન હતા એટલે તપાસ અધિકારીએ બન્ને આરોપીને ફરાર જાહેર કરવા
માટેની અરજી કરતા સરકારી વકીલ જે.એમ.કંસારાએ રજૂઆત કરી હતી કે, આરોપીઓ
લાંબા સમયથી વોન્ટેડ હોય તેમની મિલકત જપ્તીની પણ કાર્યવાહી કરવામાં આવે. ન્યાયાધીશે
રજૂઆત બાદ બન્ને આરોપીને ભાગેડુ જાહેર કરી તેમની ધરપકડ માટે કરજણ પોલીસને ખાસ
તાકીદ કરી હતી.
અદાલતે આરોપીઓની ગેરહાજરીમાં પુરાવા નોંધવાની પ્રક્રિયા હાથ
ધરવાનો પણ આદેશ કર્યો હતો અને કેસના ફરિયાદ પક્ષના સાક્ષીઓ અને ફરિયાદીને કોર્ટમાં
હાજર રહેવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે, જેથી વર્ષો જૂના આ કેસનો ન્યાયિક નિકાલ લાવી શકાય. કોર્ટે ચૂકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર કલમો હેઠળના ગુનામાં આરોપીઓ લાંબો સમય છુપાઈ શકે નહીં. હવે પોલીસ
તંત્ર દ્વારા આ બંને લૂંટારુઓની મિલકતોની ઓળખ કરી તેને ટાંચમાં લેવાની અને તેમના
પરિવારજનોની પૂછપરછ કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવશે.










