![]()
વડોદરા : અજાણ્યા બિલ્ડર દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ બાબતે ગુનો
દાખલ કરવાના બદલામાં વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઇના નામે રૃા.૫ લાખની માંગણી કરી
રૃા.૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટિયાની જામીન અરજી અદાલતે નામમજૂર કરી
હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,ભલે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ થઈ હોય, પરંતુ અન્ય સહ-આરોપીઓ સંદર્ભે તપાસ હજુ ચાલુ છે ત્યારે જામીન આપી શકાય
નહી.
બનાવની વિગત એવી છે કે, ફરિયાદીએ વારસીયા વિસ્તારમાં અજાણ્યા બિલ્ડર
દ્વારા થતા બાંધકામ અંગે વારસીયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને તેમાં ગુનો
દાખલ થાય તે માટે આરોપી સુરેશભાઈ રામચંદ તોલાણીએ વચેટિયા તરીકે ભૂમિકા ભજવી હતી.
તેણે વારસીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. વસાવાના નામે ફરિયાદી પાસે રૃ. ૫,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી, જે પૈકી પ્રથમ હપ્તા તરીકે રૃ. ૨,૫૦,૦૦૦ લેતા તે એ.સી.બી.ના છટકામાં રંગેહાથ પકડાઈ ગયો હતો.
હાલ જેલમાં રહેલા આરોપી સુરેશ તોલાણીએ ચાર્જશીટ રજૂ થઇ ગયા બાદ
જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીએ
ગુનામાં સક્રિય ભાગ ભજવ્યો છે અને તેની પાસેથી લાંચની રકમ પણ મળી આવી છે.
ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે,
ભ્રષ્ટાચારએ દેશની અર્થવ્યવસ્થા અને સમાજ પર વિપરીત અસર કરતો ગંભીર આથક ગુનો છે.આ
તબક્કે જામીન આપવાથી પુરાવા સાથે છેડછાડ થવાની અને તપાસમાં અડચણ આવવાની પૂરેપૂરી
શક્યતા છે.










