![]()
Finance Commission Chief Arvind Panagariya Advise RBI : મિડલ ઈસ્ટના ઇંધણ સંકટ અને વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે ભારતીય ચલણ ‘રૂપિયા’ (Rupee) ના મૂલ્યમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડૉલર સામે રૂપિયો 100 ની ઐતિહાસિક સપાટી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) ને દેશના 16મા નાણા પંચના અધ્યક્ષ અને જાણીતા અર્થશાસ્ત્રી અર્વિંદ પનગઢિયાએ એક ચોંકાવનારી સલાહ આપી છે.
રૂપિયાને બચાવવાનો પ્રયાસ દેશ માટે નુકસાનકારક
મિડલ ઈસ્ટમાં હોર્મુઝની ખાડી બંધ થવાના કારણે ઉભા થયેલા તેલ સંકટ વચ્ચે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આરબીઆઈ રૂપિયાને 100 ના મનોવૈજ્ઞાનિક સ્તરે પહોંચતો રોકવા માટે અબજો ડૉલર ખર્ચી રહી હોવાના અહેવાલો વચ્ચે દેશના નાણા પંચના અધ્યક્ષ અર્વિંદ પનગઢિયાએ સેન્ટ્રલ બેંકને આગ્રહ કર્યો છે કે તેઓ રૂપિયાને બચાવવાનો પ્રયાસ ન કરે. પનગઢિયાએ તર્ક આપ્યો છે કે, “100 એ માત્ર એક આંકડો છે, જેમ 99 અને 101 છે. વર્તમાન વૈશ્વિક તેલ સંકટના જવાબમાં કરન્સીનું નબળું પડવું એ જ અર્થતંત્ર માટે કુદરતી અને યોગ્ય ઉપાય છે.”
મોંઘા સાધનો અપનાવવાની ના પાડી
તેમણે ઉમેર્યું કે, જો આ ઇંધણ કટોકટી ટૂંકા ગાળા (3 મહિનાથી 1 વર્ષ) માટે હશે, તો રૂપિયો અત્યારે ભલે ઘટે, પણ આગળ જતાં તેલ આયાત બિલ ઓછું થતાં જ રૂપિયો આપમેળે મજબૂત થઈ જશે. વળી, રૂપિયો સસ્તો થવાથી વિદેશી મૂડી ભારતમાં રોકાણ માટે આકર્ષાશે. પરંતુ, જો આ સંકટ લાંબુ ચાલશે, તો રૂપિયાને બચાવવાના તમામ સરકારી પ્રયાસો નિષ્ફળ જશે. આરબીઆઈ ગમે તેટલા ડૉલર માર્કેટમાં ઠાલવશે, વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserve) એક દિવસ ખાલી થઈ જશે. તેમણે વધુ વ્યાજવાળા એનઆરઆઈ (NRI) ડિપોઝિટ અથવા ડૉલર બોન્ડ બહાર પાડવાની રણનીતિને નકામી ગણાવી છે, કારણ કે તેનાથી માત્ર ધનિક પ્રવાસી ભારતીયોને જ ફાયદો થાય છે અને દેશ પર મોંઘું દેવું વધે છે.
2013 ની કટોકટી અને આજની સ્થિતિ વચ્ચેનો તફાવત
અર્વિંદ પનગઢિયાએ ચાલુ વર્ષ 2026 ની સ્થિતિની સરખામણી વર્ષ 2013ના કરન્સી ક્રાઇસિસ સાથે કરતાં જણાવ્યું કે, “આ 2013 નું ભારત નથી. તે સમયે દેશમાં મોંઘવારી બે આંકડામાં (10% થી ઉપર) હતી અને આર્થિક તણાવ વધુ હતો. આજે આપણી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત છે. આથી, આપણું અર્થતંત્ર રૂપિયાના અવમૂલ્યન (Devaluation) ને કારણે આવનારા સામાન્ય મોંઘવારીના દબાણને ખૂબ જ સરળતાથી પચાવી શકે તેમ છે.”
હાલ રૂપિયાની બજારમાં શું સ્થિતિ છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, નાણા પંચના અધ્યક્ષનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે બુધવારે ભારતીય રૂપિયો ઇતિહાસના સૌથી નીચલા સ્તરે ડૉલર સામે 96.95 પર પહોંચીને 96.86 પર બંધ રહ્યો હતો. જો કે, ગુરુવારે વૈશ્વિક રાજકારણમાં થોડો તણાવ ઘટતાં અને ક્રૂડ ઓઇલના ભાવ તૂટતાં રૂપિયામાં 49 પૈસાનો જોરદાર ઉછાળો આવ્યો હતો અને તે 96.37 પર બંધ રહ્યો હતો. આમ છતાં, નિષ્ણાતો માની રહ્યા છે કે લાંબા ગાળે રૂપિયાએ 100 ની સપાટી વટાવવી જ પડશે.










