![]()
અમદાવાદ : ૨૦૨૫ મર્જર એન્ડ અક્વિઝિશન (M&A) માટે એક પ્રોત્સાહક વર્ષ રહ્યું છે, મર્જર એન્ડ અક્વિઝિશનમાં વધારો મુખ્યત્વે ખાનગી ઇક્વિટી પ્રવૃત્તિમાં વધારાને કારણે હતું. વર્ષ દરમિયાન, દર અઠવાડિયે લગભગ બે મર્જર એન્ડ અક્વિઝિશન ઓપન ઑફર્સ રહ્યા હતા. સંકલિત ડેટા અનુસાર, ૨૦૨૫માં નોંધપાત્ર હિસ્સો સંપાદન અથવા નિયંત્રણમાં ફેરફાર પછી વધારાના શેર ખરીદવા માટે ઓપન ઑફર્સની સંખ્યા ૧૨૧ હતી. જે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી વધુ અને ૧૯૯૭ પછી બીજા ક્રમે સૌથી વધુ છે. અગાઉનો ઉચ્ચ સ્તર ૨૦૦૮માં ૧૩૩ હતો.
૨૦૨૫માં રૂ. ૪૧,૪૪૩.૯૫ કરોડની આફર રકમ મૂલ્યની દ્રષ્ટિએ ત્રીજો સૌથી વધુ છે. ૨૦૧૩માં ઓફરની રકમ રૂ. ૪૭,૪૭૩.૭૭ કરોડ અને ૨૦૨૨માં રૂ. ૪૫,૬૪૯.૩૯ કરોડ નોંધાઈ હતી.
આમાં સામાન્ય રીતે એક વર્ષની અંદર કંપનીમાં ૫% થી વધુ હિસ્સો હસ્તગત કરતી કંપનીઓ, કુલ ૨૫% હિસ્સો હસ્તગત કરતી કંપનીઓ અથવા કંપનીના નિયંત્રણમાં ફેરફારનો સમાવેશ થાય છે. મોટાભાગની ઓપન ઓફર કંપનીમાં ઓછામાં ઓછો વધારાનો ૨૬% હિસ્સો હસ્તગત કરવાનો પ્રયાસ કરે છે અને સંપાદન પછી જાહેર શેરધારકો માટે બહાર નીકળવાની તક પૂરી પાડે છે.
બહાર નીકળતા શેરધારકો સામાન્ય રીતે સંપાદનની આસપાસના સંજોગોના આધારે, ૬૦ દિવસથી બાવન અઠવાડિયાના સમયગાળામાં સંપાદન કિંમત અથવા કંપનીના શેરના વોલ્યુમ-વેઇટેડ ભાવ પર આધારિત કિંમત મેળવે છે.
આ વર્ષની મુખ્ય ઓપન ઓફર્સમાં ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ માટે ઓફર (રૂ. ૬,૮૪૨.૮૦ કરોડ), ખાનગી ઇક્વિટી ફર્મ CVC કેપિટલના એકમ એક્વિલો હાઉસ દ્વારા હાઉસિંગ ફાઇનાન્સ કંપની આવાસ ફાયનાન્સરી (રૂ. ૩,૬૮૨.૧૫ કરોડ) અને આઈએચએચ હેલ્થકેર દ્વારા ફોર્ટિસ હેલ્થકેર (રૂ. ૩,૩૪૯.૪૪ કરોડ) ને હસ્તગત કરવાનો સમાવેશ થાય છે.
જ્યારે અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું હોય છે, ત્યારે મર્જર અને એક્વિઝિશન પ્રવૃત્તિ વધતી હોય છે તેમ જણાવતા જાણકારોએ ઉમેર્યું હતું કે ખાનગી ઇક્વિટી ફર્મ્સ પણ થોડા વર્ષો પહેલા કરતાં વધુ સક્રિય છે, જે નિયંત્રિત હિસ્સાની શોધમાં છે. આ વલણ સંપાદન પ્રવૃત્તિને વેગ આપી રહ્યું છે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઘણા વ્યવસાયો પેઢીગત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યારે આગામી પેઢીને કૌટુંબિક વ્યવસાયમાં રસ નથી, ત્યારે પ્રમોટર્સ ઘણીવાર તેમનો હિસ્સો તે જ ક્ષેત્રની બીજી કંપનીને અથવા ખાનગી ઇક્વિટી રોકાણકારોને વેચે છે.
ગ્રાન્ટ થોર્ન્ટન ઇન્ડિયાના ડીલટ્રેકર મુજબ, નવેમ્બર ૨૦૨૫ માં ખાનગી ઇક્વિટી વ્યવહારો ૨૦૨૨ પછીના તેમના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા. અહેવાલ મુજબ, વ્યૂહાત્મક સોદાઓમાં વધેલા રસ અને ઓછા મૂલ્યાંકનને કારણે રેકોર્ડ સંખ્યામાં મર્જર અને એક્વિઝિશન નોંધાયા હતા.
ભારતમાં નફાકારક ખાનગી ઇક્વિટી રોકાણની આ આગામી લહેરમાં ઓપરેશનલ ફેરફારો અને ઊંડી સંડોવણીની જરૂર છે. આ ફક્ત ત્યારે જ થઈ શકે છે જો મોટાભાગની કંપનીઓ પાસે બહુમતી અથવા નિયંત્રણ હિસ્સો હોય. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણા પ્રમોટરોએ તેમના વ્યવસાયોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે અને હવે તેઓ ખાનગી ઇક્વિટી રોકાણકારોને લાવવા માંગે છે જેઓ તેમના વ્યવસાયોને વ્યાવસાયિક રીતે વિસ્તૃત કરી શકે. આના કારણે વ્યવહારોમાં વધારો થયો છે.










