India-Pakistan Indus Water Treaty Dispute: ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી તેમજ સિંધુ જળ સંધિના ઉલ્લંઘન માટે ભારતને દોષિત ઠેરનારા પાકિસ્તાનને આકરો જવાબ આપતાં પર્યાવરણ રાજ્યમંત્રી કિર્તિવર્ધન સિંહે કહ્યું છે કે, પાકિસ્તાન પોતે આતંકવાદ મારફત આ સંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમજ તેમણે સંધિના ઉલ્લંઘન માટે પાકિસ્તાનની જમીન પરથી ફેલાયેલા આતંકવાદને જવાબદાર ઠેરવ્યું હતું.
તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં આયોજિત ગ્લેશિયર્સ પર યુનાઈટેડ નેશન્સના પ્રથમ સંમેલનના પૂર્ણ સત્રને સંબોધિત કરતાં પર્યાવરણ રાજ્યમંત્રી કિર્તિવર્ધન સિંહે જણાવ્યું હતું કે, સિંધુ જળ સંધિ જેવા મુદ્દાઓ ઉઠાવી પાકિસ્તાન આ મંચનો દુરૂપયોગ કરી રહ્યું છે. અમે તેના આ પ્રયાસની આકરી નિંદા કરીએ છીએ. આ એક અડગ સત્ય છે કે, સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા બાદથી પરિસ્થિતિઓમાં માળખાગત ફેરફારો આવ્યા છે. જેથી સંધિની શરતો પર પુર્નવિચાર કરવાની જરૂર છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિના ઉલ્લંઘન માટે ભારતને દોષિત ઠેરવવાનું બંધ કરવુ જોઈએ. કારણકે, પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓ જ આ સંધિમાં રોડા નાખી રહી છે.
આ પણ વાંચોઃ ‘આતંકી લખવી જેલમાં રહીને પિતા બની ગયો..’, અલ્જિરિયામાં ઓવૈસીએ પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું
ભારત પર દોષનો ટોપલો ઢોળશો નહીં
કિર્તિવર્ધને આગળ કહ્યું કે, આ ફેરફારોમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટ, વસ્તી વૃદ્ધિ, જળવાયુ પરિવર્તન, અને સરહદ પાર જારી આતંકવાદ જવાબદાર છે. આ સંધિની ભૂમિકામાં સદભાવના અને મિત્રતાનો ભાવ હતો. તેને પ્રમાણિકપણે લાગુ કરવો અનિવાર્ય છે. પરંતુ આતંકવાદ આ સંધિની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. પાકિસ્તાને પણ આ સંધિનું ઉલ્લંઘન કર્યું છે. જેથી તે ભારત પર સંધિના ઉલ્લંઘનનો દોષનો ટોપલો ઢોળે નહીં.
પાકિસ્તાને શું કહ્યું?
આ સંમેલનમાં શુક્રવારે વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે, તેમનો દેશ ભારતને રેડ લાઈન ક્રોસ કરવા દેશે નહીં. રાજકીય લાભ માટે આ સંધિને સ્થગિત કરી કરોડો લોકોના જીવન પર જોખમ ઉભુ કરવા દઈશું નહીં. ભારતની એક તરફી અને ગેરકાયદે રૂપે સિંધુ જળ સંધિને સ્થગિત કરવી નિંદનીય છે. આ સંધિ સિંધુ જળની વહેંચણીને નિયંત્રિત કરે છે.