Image: Freepik
Murder Conspiracy in Pune: મહારાષ્ટ્રના પૂણેમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક મંગેતરે પોતાના થનાર પતિની સોપારી આપીને હત્યા કરવાનું કાવતરું રચ્યું. પોલીસે આ મામલે સામેલ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે આરોપી મંગેતર હજુ ફરાર છે. પોલીસની ટીમ તેની શોધખોળ કરી રહી છે.
શા માટે મંગેતર હત્યા કરાવવા માગતી હતી?
અહિલ્યાનગર જિલ્લાની એક મહિલાના લગ્ન 23 વર્ષીય સાગર કદમની સાથે નક્કી થયા હતા. થોડા દિવસમાં બંનેના લગ્ન થવાના હતા પરંતુ મહિલા સાગર કદમની સાથે લગ્ન કરવાને ઈચ્છુક નહોતી. આ કારણે તેણે હત્યા કરાવવાનું ષડયંત્ર રચ્યું. પોલીસના જણાવ્યા અનુસાર મંગેતરે 1.5 લાખ રૂપિયામાં પોતાના થનાર પતિની સોપારી આપી દીધી હતી.
નિર્દયતાથી માર માર્યો
મળતી માહિતી અનુસાર સારગ બાનેરમાં એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં રસોઈયો છે. મહિલાના કહેવા પર તેના પાંચ સાથીઓએ યવતની પાસે ખામગાવમાં સાગરને નિર્દયતાથી માર માર્યો. સાગરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
પગ તોડી દો જેથી લગ્નમાં સામેલ થઈ શકે નહીં
સાગર કદમે પોલીસને જણાવ્યું કે ‘હુમલાખોર કરી રહ્યાં હતાં કે પગ તોડી નાખો જેથી લગ્નમાં સામેલ થઈ શકે નહીં.’ 1 એપ્રિલે પીડિતની ફરિયાદ પર પોલીસે કેસ નોંધ્યો. આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 118, 351, 352 અને 109 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વક્ફ બિલ અંગે મોદી સરકારને જેડીયુએ ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું, હવે વિપક્ષ માટે કપરાં ચઢાણ!
મંગેતરના પિતરાઈ ભાઈએ ભેદ ખોલ્યો
સાગર કદમે પોલીસને એ પણ જણાવ્યું કે 21 અને 22 ફેબ્રુઆરીએ અજાણ્યા નંબરથી ધમકી પણ મળી ચૂકી છે. તે બાદ પોલીસે ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા અને ઘટનામાં સામેલ મહિલાના પિતરાઈ ભાઈને દબોચ્યો. પૂછપરછમાં આરોપીએ મામલાનો ખુલાસો કરી દીધો.
ગેરેજ માલિક સાથે હતો પ્રેમ સંબંધ
યવત પોલીસે જણાવ્યું કે મહિલાનો શ્રીગોંડાના એક ગેરેજ માલિકની સાથે પ્રેમ સંબંધ હતો. પોલીસે તેની પણ ધરપકડ કરી છે. 21 ફેબ્રુઆરીએ સાગર અને મહિલાનું પ્રી-વેડિંગ ફોટોશૂટ હતું. આ દરમિયાન મહિલાએ સાગરને કહ્યું હતું કે હું લગ્ન કરવા માગતી નથી. આ વાત પરિવારને જણાવી દો પરંતુ સાગરે આવું કરવાથી ના પાડી દીધી હતી.
પૂણેથી પરત ફરતી વખતે રસ્તામાં મારામારી થઈ
સાગરના ના પાડ્યા બાદ મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને હત્યા કરવાનું કાવતરું રચી દીધું. 27 ફેબ્રુઆરીએ મંગેતરે સાગરને ફિલ્મ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. બંનેએ પૂણેમાં ફિલ્મ જોઈ. બાદમાં સાગરે પોતાની પ્રેમિકાને સાંજે સાડા સાત વાગે ખામગાવની પાસે સંબંધીના ઘરે મૂકી. ત્યાંથી પાછા ફરતી વખતે રસ્તામાં આરોપીઓએ સાગરની મારામારી કરી અને લગ્ન ન કરવાની ધમકી આપી.