મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવ ઘટતા અટરી ફરી વધી આવ્યા હતા જ્યારે ચાંદીના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વબજારના સમાચાર સોનાના ભાવમાં ફરી તેજી બતાવી રહ્યા હતા.
વૈશ્વિક સોનાના ભાવ ઔંશદીઠ ૩૩૪૫થી ૩૩૪૬ વાળા વધી ઉંચામાં ભાવ ૩૩૭૪થી ૩૩૭૫ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૩૩૬૮થી ૩૩૬૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજાર વધતાં ઘરઆંગણે સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટ ફરી ઉંચકાતાં દેશના ઝવેરીબજારોમાં આજે સોનાના ભાવ ઘટતા અટકી ફરી વધી આવ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ વધી ૯૯૫ના રૂ.૧૦૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૨૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ જોકે કિલોના રૂ.૧૦૬૫૦૦ના મથાળે શાંત હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૬.૦૩થી ૩૬.૦૪ વાળા ઉંચામાં ભાવ ૩૬.૪૩ થઈ છેલ્લે ભાવ ૩૬.૦૧થી ૩૬.૦૨ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૨૯૬ વાળા રૂ.૯૮૬૫૦ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૮૬૯૧ વાળા રૂ.૯૯૦૫૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૬૭૭૫ વાળા રૂ.૧૦૬૩૦૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૨૬૬થી ૧૨૬૭ વાળા ઉંચામાં ૧૩૨૨ તથા નીચામાં ભાવ ૧૨૬૦ થઈ છેલ્લે ભાવ ૧૨૬૮થી ૧૨૬૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૪૭થી ૧૦૪૮ વાળા ઉંચામાં ૧૦૫૬ તથા નીચામાં ૧૦૪૦ થઈ છેલ્લે ભાવ ૧૦૪૮થી ૧૦૪૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૪૪ ટકા માઈનસમાં રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. બ્રેન્ટક્રુડના ભાવ બેરલદીઠ ૭૬.૩૪ વાળા વધી ૭૭.૬૭ થઈ છેલ્લે ભાવ ૭૭.૦૧ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૫.૧૫ વાળા ૭૫.૭૪ થયા પછી ભાવ છેલ્લે ૭૩.૮૪ ડોલર રહ્યા હતા. બ્રેન્ટક્રૂડ તથા યુએસ ક્રૂડના ભાવ વચ્ચેનો તફાવત તાજેતરમાં ઘટી ગયો હતો તે તફાવત હવે ફરી વધ્યાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૮.૫૪ તથા ઉંચામાં ૯૮.૮૯ થઈ છેલ્લે ૯૮.૭૭ રહ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૬.૫૯ વાળા રૂ.૮૬.૬૨ રહ્યા હતા.