MVAG 2025 Guidelines For Cabs: માર્ગ પરિવહન મંત્રાલયે કેબ એગ્રિગેટર્સ માટે મહત્ત્વની મોટર વ્હિકલ એગ્રિગેટર (MVAG 2025) ગાઈડલાઈન્સ 2025 વિગતવાર જાહેર કરી છે. જેમાં ઓલા, ઉબેર, રેપિડો સહિતના કેબ એગ્રિગેટર પર હવેથી આઠ વર્ષથી જૂના વાહનોના ઉપયોગ પ્રતિબંધ લાદ્યો છે.
નવી ગાઈડલાઈન મુજબ, કેબ એગ્રિગેટર્સ પોતાના સંચાલનમાં આઠ કે તેથી વધુ વર્ષ જૂના વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. આઠ કે તેથી વધુ વર્ષ જૂના રજિસ્ટર્ડ વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવુ પડશે.
કેબ એગ્રિગેટર્સે કરવાની રહેશે ખાતરી
મંત્રાલયે જણાવ્યું હતું કે, તમામ એગ્રિગેટરે વાહનની રજિસ્ટ્રેશન તારીખથી આઠથી વધુ વર્ષ જૂના વાહનોના રજિસ્ટ્રેશન રદ કરવા પડશે. તેમજ આગળ પણ આ પ્રકારના વાહનોની નોંધણી ન થાય તેનું ધ્યાન રાખવુ પડશે. વધુમાં મોટર વ્હિકલની અંદર ડ્રાઈવરનું લાઈસન્સ અને મોટર વ્હિકલ પરમિટનો પુરાવો પણ દેખાય તે રીતે લગાવવો ફરિજ્યાત છે.
કેબ ડ્રાઈવરનું લાઈસન્સ જોવાનો હકદાર પેસેન્જર
ગાઈડલાઈન્સમાં આગળ જણાવ્યું હતું કે, કેબની અંદર ડ્રાઈવરનું લાઈસન્સ તેમજ મોટર વ્હિકલ પરમિટનો પુરાવો બતાવવો ફરિજ્યાત છે. જો કે, મોટરસાયકલમાં આ નિયમ ફરિજ્યાત નથી. ડ્રાઈવરની બાજુમાં આવેલી ફ્રન્ટ સીટની પાછળ આ પુરાવા સ્પષ્ટપણે વંચાય તે સ્થિતિમાં લગાવવાના રહેશે.
ડ્રાઈવરનું સાયકોલોજિકલ એનાલિસિસ પણ કરવુ પડશે
MVAG 2025 ની ગાઈડલાઈન્સ અનુસાર, એગ્રિગેટરની એપ પર ફાળવવામાં આવેલા ડ્રાઈવરનો ફોટો હાઈ રિઝોલ્યુશન સાથે સ્પષ્ટ દેખાય તે રીતે દર્શાવવો પડશે. તેમજ ડ્રાઈવરનું સમયાંતરે સાયકોલોજિકલ એનાલિસિસ પણ કરવુ પડશે. કેબ પ્રોવાઈડર્સે ડ્રાઈવરની માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યની આકરણી કરવાની જરૂર પડશે. આ ચકાસણી કરવા પાછળનો ઉદ્દેશ માનસિક, અને ભાવનાત્મક સ્થિતિને જાળવવા તેમજ ડ્રાઈવિંગ દરમિયાન થતો તણાવ સહન કરવા અને પેસેન્જર સાથે વાતચીત કરવા ડ્રાઈવર સક્ષમ છે કે નહીં તે જાણવાનો છે.
પીક અવર્સમાં બમણું ભાડું વસૂલવા મંજૂરી
કેબ એગ્રિગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં નિર્ધારિત મૂળ ભાડા કરતાં વધુ ભાડું લઈ શકશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા 1 જુલાઈના રોજ નવી મોટર વ્હિકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સ (MVAG) 2025 લાગુ કરી છે. જે અનુસાર, કેબ એગ્રિગેટર્સને પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં બમણાં સુધી વધુ ભાડું વસૂલવા મંજૂરી આપવામાં આવી છે. અત્યારસુધી દોઢ ગણું વધુ ભાડું લેવાની મંજૂરી હતી.