ED raid in Ranchi: રાંચી ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 5 જુલાઈના રોજ રાંચી સ્થિત સ્પેશિયલ કોર્ટ સમક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ એક મોટા GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) છેતરપિંડી સિન્ડિકેટ સાથે સંબંધિત છે. આ સિન્ડિકેટના ચાર માસ્ટરમાઇન્ડ શિવકુમાર દેવડા, મોહિત દેવડા, અમિત કુમાર ગુપ્તા અને અમિત અગ્રવાલ ઉર્ફે વિક્કી ભાલોટિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે દાખલ ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે, આ ચાર વ્યક્તિઓએ GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ કરવા માટે 135 નકલી કંપનીઓ બનાવી હતી. લગભગ 5000 કરોડ રૂપિયાના નકલી ઇન્વોઇસ બનાવવામાં આવ્યા હતા અને 734 કરોડ રૂપિયાના નકલી ITC બનાવી હતી.
આ પણ વાંચોઃ બિહારના ફેમસ યુટ્યુબર મનીષ કશ્યપ જન સુરાજ પાર્ટીમાં જોડાયા, PKની હાજરીમાં લીધી સદસ્યતા
5000 કરોડથી વધુના નકલી ઈન્વોઈસ
જમશેદપુરના GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI) દ્વારા દાખલ કરવામાં આવેલી અનેક ફરિયાદોના આધારે ED એ આ કેસમાં તપાસ શરૂ કરી હતી. આ ફરિયાદો દ્વારા નકલી ITC બનાવવા અને ફોરવર્ડ કરવા સાથે સંકળાયેલ એક અત્યાધુનિક છેતરપિંડી શોધી કાઢવામાં આવી હતી. ED તપાસમાં બહાર આવ્યું છે કે શિવકુમાર દેવડા અને તેમના સહયોગીઓના નેતૃત્વ હેઠળ 135 નકલી કંપનીનું એક નેટવર્ક બનાવવામાં આવ્યું હતું. આ કંપનીઓ ફક્ત કાગળ પર જ અસ્તિત્વમાં હતી. તેનો ઉપયોગ માલ કે સેવાઓનો વાસ્તવિક પુરવઠો આપ્યા વિના ઈન્વોઈસ જાહેર કરવા થઈ રહ્યો હતો. 135 નકલી કંપનીની મદદથી રૂ. 5000 કરોડથી વધુના નકલી ઇન્વોઇસ જાહેર કરવામાં આવ્યા હતાં. આ મોડસ ઓપરેન્ડી દ્વારા છેતરપિંડી આચરી રૂ. 734 કરોડથી વધુની નકલી ITC જનરેટ કરવામાં આવી હતી. જેને મંજૂર પણ કરાઈ હતી.
આ ગેરકાયદેસર રીતે જનરેટ કરાયેલી ક્રેડિટ વિવિધ લાભાર્થી કંપનીઓને કમિશન પેટે ચૂકવવામાં આવી હતી. આ કંપનીઓનો ઉપયોગ GST જવાબદારીઓથી બચવા માટે કર્યો હતો. તપાસના અંતે અત્યાર સુધીમાં કુલ રૂ. 5.29 કરોડની સ્થાવર મિલકતો ઓળખી કાઢવામાં આવી હતી. જેને જપ્ત કરવામાં આવી છે. ઈડીએ રૂ. 8.98 લાખની રોકડ જપ્ત કરી છે, જ્યારે રૂ. 62.90 લાખના બેન્ક બેલેન્સ ફ્રિઝ કર્યા છે. આ કેસમાં, અગાઉ ઈડીએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યાઓમાં વ્યાપક સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઉપરાંત, ઉપરોક્ત ચાર આરોપીઓની 7 જુલાઈના રોજ PMLA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, તે તમામ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.