મુંબઈ : ભારતમાં વાહન ખરીદવા ઈચ્છુકોમાં નવી કારની ખરીદી કરવા કરતા યુઝડ કારની ખરીદી તરફ વધુ આકર્ષણ હોવાનો એક રિપોર્ટમાં દાવો કરાયો છે. ક્રિસિલ રેટિંગના રિપોર્ટ પ્રમાણે ભારતમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ નવી કારના વેચાણ કરતા બમણા કરતા વધુ ગતિએ વધી રહ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૫માં યુઝડ કારના વેચાણમાં ૮ ટકા વધારો થયો હતો અને વર્તમાન નાણાં વર્ષમાં ૮થી ૧૦ ટકા વધારો થવા અપેક્ષા છે.
વર્તમાન વર્ષમાં યુઝડ કારનો વેચાણ આંક ૬૦ લાખ કારને પાર કરી જવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. થોડાક વર્ષો અગાઉની સરખામણીએ હાલમાં કાર ખરીદદારોની પસંદગીમાં વ્યાપક ફેરબદલ જોવા મળી રહ્યો છે. હાલના ખરીદદારો મૂલ્યની દ્રષ્ટિએ વધુ સજાગ બની ગયા છે.
પાંચ વર્ષ અગાઉ જ્યારે નવી કારની ખરીદી સામે યુઝડ કારનું પ્રમાણ એક હતું તે હવે વધી ૧.૪૦ પર આવી ગયું છે અને નવી કારની સરખામણીએ સેકન્ડ હેન્ડ કારના વેચાણમાં બે ગણાથી પણ વધુ વધારો થઈ રહ્યો છે.
દેશમાં યુઝડ કારનું બજાર મૂલ્ય હાલમાં રૂપિયા ૪ લાખ કરોડ આસપાસ અંદાજવામાં આવી રહ્યું છે જે નવી કારના વેચાણને લગભગ સમાન છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. સેકન્ડ હેન્ડ કાર માટે સરળ ફાઈનાન્સિંગ તથા ડિજિટલ જાણકારી વેચાણમાં વધારા માટે કારણભૂત બની રહ્યા છે.
કોરોના બાદ દેશમાં નવી કારની કિંમતોમાં જોરદાર વધારો થયો છે એટલું જ યુઝડ કાર સારી કન્ડીશનમાં પણ ઉપલબ્ધ બની રહે છે. આ ઉપરાંત સેમીકન્ડકટર ચીપ્સની અછત અને રેર અર્થના ખોરવાયેલા પૂરવઠાને પરિણામે નવી કારના ડિલિવરીનો સમયગાળો લંબાતો જાય છે.