Vadodara : વડોદરામાં દિવાળી દરમિયાન એક્ઝિબિશનમાં ફર્નિચરનો સ્ટોર રાખનાર બે સંચાલકોએ અનેક ગ્રાહકોને ચૂનો ચોપડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સુભાનપુરાની ગાંધીનગર સોસાયટીમાં રહેતા સીનીયર સીટીઝન રમણભાઈ વાઘેલાએ પોલીસને કહ્યું છે કે, ગઇધા 27-10-2024 ના રોજ હું અને મારી પત્ની અકોટા સ્ટેડિયમ ખાતે એક્ઝિબિશન જોવા ગયા હતા તે દરમિયાન ફર્નિચરના સ્ટોલ ઉપર સોફા પસંદ પડતા સંચાલક ઇતિહાસ મોહમ્મદ સફી મેમણ (રહે-તપસ્વી નગર, અંકલેશ્વર) અને જબ્બર મેમણ (રહે-મુંબઈ) સાથે વાતચીત કરી હતી.
એક લાખની કિંમતનો 65000 માં નક્કી કર્યો હતો. બંને સંચાલકે એડવાન્સમાં 10000 તેમજ માપ લેવા માટે માણસ આવે ત્યારે બીજા 20,000 આપવાના રહેશે અને બાકીની રકમ ડીલીવરી પછી આપવાની રહેશે તેમ કહ્યું હતું. ત્યારબાદ અમને બીજો એક થ્રી સીટર સોફા પણ પસંદ પડ્યો હોવાથી 25,000 માં નક્કી કર્યો હતો. અમોને 20 દિવસ આપવાનું કહેવાયું હતું. પરંતુ હજી સુધી ડિલિવરી મળી નથી ઓનલાઇન ચૂકવેલા રૂ.50,000 પરત પણ આપ્યા નથી.
અમારી જેમ (1) વસંત કુમાર શાહ (એવરેસ્બેટ ડીગ્નોટી-2,ભાયલી કેનાલ રોડ) પાસે આવી જ રીતે રૂ.2.19 લાખ (2) રાજેશભાઈ પારેખ (અંબાલાલ પાર્ક 1, ગોરવા-રિફાઈનરી રોડ)પાસે રૂ.33,000 (3) ઘનશ્યામભાઈ વાઘેલા (નંદનવન સોસાયટી, વડસર બ્રિજ નજીક )પાસેથી રૂ.20,000 (4) શૈલેષભાઈ ચંદુભાઈ પટેલ (નવી પાનસરાવાડ, પાદરા)ના મિત્રના પિતા જયંતિભાઈ લીમ્બાચીયા પાસે રૂ.70,000 (5) આકાશભાઈ ગાંધી (જનકપુરી,માજલપુર) પાસે રૂ.25000 અને હેમંતભાઈ ટંડેલ (પુષ્પક ટાઉનશિપ, ઊંડેરા) પાસે 35000 મળી કુલ 4.52 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની વિગતો બહાર આવી છે. જેથી અકોટા પોલીસે સ્ટોલના બંને સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.