ખેડૂતોની
ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યુ
ખેતરમાં
ઊભી ડાંગર આડી પડી ગઇ, તૈયાર અડદના ઢગલા પલળી ગયાઃ કપાસ-મગફળીની ઉત્પાદકતા પણ પ્રભાવિત થવાની
ભીતિ
સુરેન્દ્રનગર –
ગુજરાતના ખેડૂતો પર કુદરત રૃઢયો હોય તેવું લાગી રહ્યું છે.
કેમ કે, ચોમાસાની વાવણી કર્યા બાદ ભારે વરસાદ વરસતા ખેડૂતોએ
વાવણી કરેલો પાક ધોવાઈ ગયો હતો. જો કે તેમ છતાં હિંમત હાર્યા વિના ખેડૂતોએ
બીજીવારની વાવણી કરી હતી અને ચોમાસુ સિઝન સારી પાકશે તેવી આશા રાખી રહ્યા હતા
પરંતુ હવે પાછોતરા વરસાદે ખેડૂતોને બેહાલ કરી દીધા છે કેમ કે, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદથી પાકને
મોટુ નુકસાન થયુ છે.
લખતર
શહેર સહિત તાલુકાના કડુ, ઓળક, જયોતિપરા, વિઠ્ઠલગઢ,
બાબાજીપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે
ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હાલ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં
આવી છે. ત્યારે લખતર તાલુકામા વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો
આવ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. લખતર શહેર સહિત
ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોને વ્યાપક
પ્રમાણમાં નુકસાન થયું છે જેના પગલે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ધરતીપુત્રો
મુશ્કેેલીમાં મુકાયા છે. હાલ ખેડુતોના ખેતરોમાં બીટી કપાસ, અળદ,
મગ, જુવાર, ડાંગર સહિતના
પાકો ઉભા છે. ત્યારે વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરોમાં ઊભેલી ડાંગર આડી પડી ગઈ હતી
સાથે ખેડુતોએ ખેતરોમાં તૈયાર થઇ ગયેલા અડદ કાઢીને ખેતરોમાં ઢગલા કરીને રાખ્યા હતા
તે પણ વરસાદના પાણીમાં પલળી જવા પામ્યા હતા.