મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ-ઈરાન યુદ્વને શાંત કરીને ફરી પાછલા સપ્તાહથી ટેરિફનો ગંજીપો ચિપવાનું ચાલુ કરીને વિશ્વના અર્થતંત્રની બાજી બગાડી છે. ટ્રમ્પ ક્યારે શું કરશે એની ઐતિહાસિક અનિશ્ચિતતામાં અત્યારે વિશ્વ ગરકાવ છે. ટેરિફ થકી વિશ્વને ફરી ટ્રેડ વોરમાં ધકેલનારા ટ્રમ્પ મિત્ર, મિત્ર, મિત્ર કહ્યા કરી કળી ન શકાય એવા ટેરિફ લાદીને વિશ્વ વેપારને ડામાડોળ કરી રહ્યા છે. આ અનિશ્ચિતતાની પરિસ્થિતિના કારણે વૈશ્વિક બજારોની સેન્ટીમેન્ટ પણ ફરી ડહોળાયું છે. અમેરિકી ડોલરના પ્રભુત્વને ઘટાડવા બ્રિક્સ દેશોનું સંગઠન મજબૂત બનતું જોઈને ટ્રમ્પે બ્રિક્સની નીતિને અનુસરનારા દેશોને વધુ ૧૦ ટકા ટેરિફ માટે તૈયાર રહેવાની ચીમકીઆપી દીધી. ત્યાર બાદ આ બ્રિક્સ દેશોની મીટિંગની આ વખતના યજમાન દેશ બ્રાઝિલ પર ૫૦ ટકા ટેરિફનો બોમ્બ ઝિંકી દીધા બાદ ચાઈના પ્લસ-૧ની ડ્રેગનની નીતિને ધરાશાયી કરવા વિયેતનામ પર આકરાં ટેરિફ અને છે લ્લે મેક્સિકો અને યુરોપીય યુનિયનના દેશો પર આગામી મહિનાથી ૩૦ ટકા ટેરિફ લાદવાનું જાહેર કરીને ફરી ટેરિફના ઉકેલી ન શકાય એવા ચક્રવ્યુહમાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે. ભારત સાથેની અમેરિકાની હમણાં હાથવેંત દૂર દેખાતી ટ્રેડ ડિલ કેટલાક મહત્વના મામલે ઘોંચમાં પડી જઈ ફરી વાટાઘાટના તબક્કામાં આવી પડેલી આ ડિલને લઈ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. બ્રાઝિલ પર ૫૦ ટકા ટેરિફ બોમ્બ ઝિંકનારા ટ્રમ્પ ભારત માટે પણ પોતાની જિદ પૂરી નહીં થવાના સંજોગોમાં આકરાં ટેરિફ લાદવાનું જાહેર કરીને ભારતને સ્તબ્ધ કરી શકે છે. જે સંજોગોમાં ભારતીય બજારો આગામી દિવસોમાં ડામાડોળ બની શકે છે. જેથી ટ્રમ્પના ટેરિફ મામલે સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી હમણાં તેજીના વેપારમાં સાવચેતી જરૂરી રહેશે. ચોમાસું સારૂ રહ્યું હોઈ આ પોઝિટીવ પરિબળ સામે કોર્પોરેટ ઈન્ડિયાના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં આ વખતે અનેક પડકારોને લઈ પરિણામોમાં સાધારણથી નબળી શકયતાઓ જોવાઈ રહી છે. જેથી આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૮૧૨૭૭થી ૮૩૭૪૪ વચ્ચે અથડાવાની અને નિફટી સ્પોટ ૨૪૭૬૬થી ૨૫૫૨૨ વચ્ચે અથડાવાની શકયતા રહેશે.
અર્જુનની આંખે : EMPIRE INDUSTRIES LTD.
બ્રિટિશ શાસનમાં એક બ્રિટિશ કંપનીના ભાગરૂપ ભારતમાં અન્ય બિઝનેસોની જેમ શરૂ થયેલી એમ્પાયર વર્ષ ૧૯૬૩માં એસ.સી.મલ્હોત્રા દ્વારા ધ એમ્પાયર ડાઈંગ એન્ડ મેન્યુફેકચરીંગ કંપની લિમિટેડ, બોમ્બે તરીકે કાર્યરત થયેલી હવે માત્ર બીએસઈ(૫૦૯૫૨૫) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ,૧૧૦ વર્ષથી અસ્તિત્વમાં પબ્લિક લિમિટેડ કંપની, ૭૨.૫૫ ટકા મલ્હોત્રા પ્રમોટર્સના હોલ્ડિંગની, એમ્પાયર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(EMPIRE INDUSTRIES LIMITED), દક્ષિણ મુંબઈમાં પહેલી મિલકત ૬ એકર જમીન, જેનું મૂલ્ય રૂ.૧૮૦૦ કરોડથી વધુ છે, અને મુખ્ય વ્યવસાય કમર્શિયલ ઓફિસ કોમ્પલેક્સને એસેટ તરીકે વિકસાવીને ભાડે આપવાનો છે. કંપનીની બધી એસેટ્સને દક્ષિણ મુંબઈમાં રાખીને, લોઅર પરેલમાં લગભગ ૬થી ૭ એકર જમીન અને લોઅર પરેલ ખાતે વિશાળ એમ્પાયર કોમ્પલેક્સ પ્રોપર્ટી ૧૦૦ ટકા ઓક્યુપન્સી ધરાવે છે. જો કંપની આ પ્લોટનું રિડેવલપમેન્ટ કરવાનું નક્કી કરે તો પાંચની એફએસઆઈ મુજબ ૨૭,૦૦૦ ચોરસ મીટર ગણી અને હાલમાં કાર્પેટ એરિયા ૨,૫૭,૮૨૯ ચોરસ ફૂટ મુજબ ગણતરી કરીએ તો કાર્પેટ રેટ પ્રતિ ચોરસ ફૂટ રૂ.૭૦,૦૦૦ મુજબ આ કોમ્પલેક્સનું મૂલ્ય રૂ.૧૮૦૦ કરોડથી વધુ થઈ શકે.
વિક્રોલી-મુંબઈ ખાતે સેન્ટ્રલ સબર્બમાં બીજી એસેટ રૂ.૧૫૦૦ કરોડનું અંદાજીત મૂલ્ય :
કંપની આ પ્રોપર્ટી ડિવિઝન મુંબઈમાં કમર્શિયલ અને આઈટી જગ્યા ધરાવતી માલિકીની આ પ્રોપર્ટીનું સંચાલન કરે છે. જે વિવિધ બહુરાષ્ટ્રીય-મલ્ટિનેશનલ કંપનીઓ અને અન્ય ભારતીય કંપનીઓની ઓફિસ સ્પેસની જરૂરીયાત પૂરી કરે છે, વિક્રોલી ખાતેના તેના આઈટી પાર્કમાં બે ઈમારતો છે. પ્લાઝા-૧ અને પ્લાઝા-૨. પ્લાઝા ૧ હાલમાં ૮૬ ટકા ઓક્યુપન્સી ધરાવે છે અને પ્લાઝા-૨ પણ ૯૩ ટકા ઓક્યુપન્સી ધરાવે છે. એમ્પાયર કમર્શિયલ પ્રોપર્ટીઝ ડિવિઝનમાં પ્રતિષ્ઠિત ગ્રાહકો જેમ કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ લિમિટેડ (ટીસીએસ), ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સીએનબીસી-ટીવી ૧૮, આરબીએસ સર્વિસિઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, મોનેડેલેઝ ઈન્ડિયા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ, ટીસીપીએલ પેકેજિંગ લિમિટેડ અને અન્ય છે. વિક્રોલીમાં તેમની પાસે બે ઈમારતો છે, જે કુલ ૩,૭૭,૭૦૨ ચોરસ ફૂટ વિસ્તાર ધરાવે છે. આ પ્રોપર્ટીનું મૂલ્ય અંદાજીત રૂ.૧૫૦૦ કરોડ થાય છે.
એમ્પાયર ઈન્ડસ્ટ્રીઝ અંબરનાથ પ્રોજેક્ટ : કંપની તેનો બિલ્ડર તરીકે પ્રથમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એમ્પાયર ઈન્ડસ્ટ્રીયલ સેન્ટ્રમ પ્રોજેક્ટ અંબરનાથમાં ૩૫ એકર જમીન પર બનેલો છે. આ પ્રોજેક્ટમાં રહેણાંક અને ઔદ્યોગિક બન્ને ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ખાસ કરીને, ૭ એકર રહેણાંક અને કમર્શિયલ જગ્યાઓ માટે છે, જ્યારે બાકીની ૨૮ એકર ઔદ્યોગિક વિકાસ માટે છે. જેનું મૂલ્ય અંદાજીત રૂ.૭૦૦ કરોડથી વધુ મૂલ્ય છે.
એમ્પાયર સેન્ટ્રમ (ઈસી) ભારત સરકારના ઉત્પાદન ક્ષેત્રના વિકાસ અને વૃદ્વિ દ્વારા અર્થતંત્રને મજબૂત કરવાના વિઝન સાથે સુસંગત છે. જે અંબરનાથમાં ૩૫ એકર પ્રોપર્ટી પર ડેવલપમેન્ટ હેઠળ છે અને એમએસએમઈ માટે આર્દશ છે. જેનું આ વ્યુહાત્મક રીતે પસંદ કરેલું સ્થાન તેને સરળતાથી સુલભ બનાવે છે અને ખર્ચ, ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ અને વ્યવસાયિક સુવિધાઓ, લેબરની ગુણવતા અને મુશ્કેલીમુક્ત ઉત્પાદન કામગીરીના લાભો સુનિશ્ચિત કરે છે. આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૪-૧૫માં તમામ જરૂરી સરકારી મંજૂરીઓ સાથે શરૂ થયો હતો અને દૈનિક ઉત્પાદન કામગીરીના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ નિયમો અને માપંદડોનું પાલન કરે છે.
એમ્પાયર સેન્ટ્રમના રહેણાંક-રેસીડેન્શિયલ સંકુલ વોક-ટુ-વર્ક કોન્સેપ્ટ સાથે રજૂ કરાયો છે. આ સંકુલમાં પાંચ વન-બીએચકે અને પાંચ ટુ-બીએચકે ટાવર હશે. ઈસીના કમર્શિયલ જગ્યાઓમાં જાણીતી બ્રાન્ડસની રેસ્ટોરાં, કાફે, ફૂડ કોર્ટ અને લાઉન્જ હશે. મોલ્સ, મલ્ટિ-બ્રાન્ડ આઉટલેટ્સ અને મલ્ટિપ્લેક્સ સુધી વિસ્તરેલું હશે. આ ડિવિઝનનું મૂલ્ય રૂ.૭૦૦ કરોડ જેટલું અંદાજીત છે.
એમ્પાયર ઈન્ડસ્ટ્રીઝના અન્ય છ બિઝનેસો-વ્યવસાયો :
મુંબઈમાં મુખ્ય મથક ધરાવતી વિવિધ વ્યવસાયોમાં સક્રિય એક બહુવિધ ડિવિઝનો ધરાવતી પબ્લિક લિમિટેડ કંપની, ૧૧૬ વર્ષના મજબૂત ગ્રાહક ફોક્સ્ડ અભિગમ અને વિશ્વ-સ્તરીય ગુણવતા માટે સતત શોધ સાથે, માર્કેટ લીડર છે. કંપનીના બિઝનેસ વર્ટિકલ્સમાં વર્ચસ ગ્લાસ, એમ્પાયર મશીન ટુલ્સ (ઈએમટી-એમએફટીએમ), એમ્પાયર મશીન ટુલ્સ (ઈએમટી-એમસીએટી), એમ્પાયર ઈન્ડસ્ટ્રીયલ ઈક્વિપમેન્ટ, એમ્પાયર કમર્શિયલ પ્રોપર્ટીઝ, એમ્પાયર વેન્ડિંગ, એમ્પાયર ફૂડ્સ, ધ એમ્પાયર બિઝનેસ સેન્ટર અને એમ્પાયર ઈન્ડસ્ટ્રીયલ સેન્ટ્રમનો સમાવેશ થાય છે.
બિઝનેસ ડિવિઝનોમાં (૧) વર્ચસ ગ્લાસ : જે ભારતમાં શ્રેષ્ઠ બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ જેમ કે ગ્લેક્સોસ્મિથક્લાઈન ફાર્માસ્યુટિકલ્સ, સિપ્લા, ફાઈઝર, મર્ક, વોર્ડેક્સ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ સહિત ગ્રાહકો તરીકે ધરાવે છે. જેના નિકાસ બજારમાં યુ.એસ., યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકન દેશોનો સમાવેશ થાય છે. વિટ્રમ ગ્લાસ એક સમર્પિત એમ્બર ગ્લાસ ફર્નેસ પ્રતિ દિન ૧૮૦ મેટ્રિક ટનની ક્ષમતા સાથે ધરાવે છે. (૨) એમ્પાયર મશીન ટુલ્સ, મેટલ ફોર્મિંગ, ટેન્સિંગ અને મેટ્રોલોજી ડિવિઝન (EMT-MFTM) મેટલ ફોર્મિંગ પ્રેસ, ફર્નેશ, વેલ્ડિંગ સાધનો અને મેટ્રોલોજી મશીનરીના વિશ્વ કક્ષાના ઉત્પાદકોને સહાયક સર્વિસ અને એન્જિનિયરીંગ કન્સલ્ટન્સી પૂરી પાડે છે. આ વ્યવસાયિક ભાગીદારી અને યુરોપ, રશિયા, યુ.એસ.એ., જાપાન, યુક્રેન, કોરિયા અને ચીનના ઉત્પાદકો સાથેના સંગઠનો દ્વારા શક્ય બન્યું છે. જેના કેટલાક સંગઠનો ૪૦ વર્ષોથી કાર્યરત છે. (૩) EMT-MCAT મેટલ કટીંગમાં વિશ્વ કક્ષાની અને અત્યાધુનિક મશીન ટુલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેમ કે WALDRICH-COBURG-જર્મની, WFL-ઓસ્ટ્રિયા અને GORATU-સ્પેન, સહિત છે.(૪) એમ્પાયર ઈન્ડસ્ટ્રીયલ ઈક્વિપમેન્ટ (ઈઆઈઈ)ની સ્થાપના વર્ષ ૨૦૦૦માં એક અલગ બિઝનેસ એન્ટિટી તરીકે કરવામાં આવી હતી. (૫) ૨૦૦૦ના દાયકાની શરૂઆત સુધી વેન્ડિંગ મશીનો સામાન્ય રીતે પશ્ચિમ સાથે સંકળાયેલા હતા, તેમની અનોખી પહેલ ગ્રેબિટ પ્લસ દ્વારા એમ્પાયર ઈન્ડસ્ટ્રીઝે વર્ષ ૨૦૦૬માં ભારતમાં વેન્ડિંગ મશીનો રજૂ કરીને આ પરિસ્થિતિ બદલી છે.(૬) હોટલો, રેસ્ટોરન્ટસ, કેટરિંગ સેવાઓ અને રિટેલ ચેઈન્સને સતત સારી ગુણવતાવાળા ફૂડની જરૂર રહે છે. એમ્પાયર ફૂડ્સની સ્થાપના તેમની સતત વધતી જતી માંગને પહોંચી વળવા માટે કરવામાં આવી હતી.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૪૨૬, માર્ચ ૨૦૨૩ના રૂ.૪૭૨, માર્ચ ૨૦૨૪ના રૂ.૫૦૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૫૨૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૬૦૧
શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૨ના રૂ.૪૦, માર્ચ ૨૦૨૩ના રૂ.૫૯, માર્ચ ૨૦૨૪ના રૂ.૬૨, માર્ચ ૨૦૨૫ના રૂ.૫૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૭૭
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
આવક રૂ.૬૭૭ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૯૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫૭.૪૨ હાંસલ કરી છે.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૭૭૭ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૪૬ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૭ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ૭૨.૫૫ મલ્હોત્રા ફેમિલી પ્રમોટેડ, ૧૧૬ વર્ષ જૂની, એમ્પાયર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રૂ.૪૦૦૦ કરોડથી વધુ મૂલ્યનું પ્રોપર્ટી ડિવિઝન ધરાવતી, જેનું શેર દીઠ રૂ.૬૬૬૬ જેટલું મૂલ્ય સામે શેર બીએસઈ પર રૂ.૧૦૭૦ ભાવે ૧૬ ટકા મૂલ્ય પર, પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૭૭ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૦૧ સામે શેર રૂ.૧૦૭૦ ભાવે, ડેવલપર-કન્સ્ટ્રકશન ઉદ્યોગના ૩૫ના પી/ઈ સામે ૧૩.૯૦ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.