– બારડોલી ખાતે અગાઉ નોકરી કરતી 28 વર્ષની યુવતી સુરતના ભાઠેના ખાતે રહેતા રોહન ઉર્ફે રોની રાણા સાથે ફેસબુક મારફતે સંપર્કમાં આવી હતી
– વાત કરવાનું ઓછું કરતા યુવતીએ તપાસ કરી તો રોહનના ઈન્સ્ટાગ્રામ મારફત અન્ય યુવતી સાથેના સંબંધો હોવાનું જાણવા મળ્યું
સુરત, : સુરતના ભાઠેના ખાતે રહેતા અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાને બારડોલી ખાતે અગાઉ જીઆરડીમાં ફરજ બજાવતી 28 વર્ષની યુવતીનું સવા બે વર્ષ સુધી જાતીય શોષણ કરી લગ્નનો ઈન્કાર કરી દેતા આખરે યુવતીએ તેના વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ બારડોલી ખાતે રહેતી 28 વર્ષીય સ્વીટી ( નામ બદલ્યું છે ) અગાઉ બારડોલી પોલીસ મથકમાં જીઆરડીમાં ફરજ બજાવતી હતી.ત્રણ વર્ષ અગાઉ ફેસબુક મારફતે સ્વીટી સુરત શહેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા રોહન રાણાના સંપર્કમાં આવી હતી.રોહન સ્વીટીને મળવા બારડોલી આવ્યો હતો અને ત્યાર બાદ સ્વીટી તેને મળવા ભાગળ ખાતે રાણા પીયુસીના નામે વાન ઉભી રહેતી હતી ત્યાં મળી હતી.બાદમાં બંનેની મિત્રતા વધીને પ્રેમમાં પરિણમી હતી.વર્ષ 2023 ના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા સુરત આવેલી સ્વીટીને રોહન મમ્મી સાથે વાત કરવાના બહાને તેના નાનપુરાના જુના ઘરે લઈ ગયો હતો.પણ રસ્તામાં મમ્મી માર્કેટ ગઈ છે તેમ કહીને તે સ્વીટીને તેના શિવશક્તિ સોસાયટીના નવા ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેને લગ્ન કરવાનું કહી શરીર સંબંધ બાંધ્યો હતો.
બાદમાં તેઓ અવારનવાર મળતા હતા અને રોહન સ્વીટીને લગ્ન કરવાનું કહી શરીર સંબંધ બાંધતો હતો.જોકે, ગત મે મહિના બાદ રોહને સ્વીટી સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું.તે અરસામાં સ્વીટીને ઈન્સ્ટાગ્રામ મારફતે જાણ થઈ હતી કે તેને શીતલ નામની છોકરી સાથે સંબંધ છે.આથી સ્વીટીએ ફોન કર્યો તો રોહને તું મને માથે પડવાની છે તેવો જવાબ ચેટમાં આપ્યો હતો.સ્વીટીએ રોહનની મમ્મીને ફોન કરી વાત કરતા તેમણે પછી વાત કરવા કહ્યું હતું.બે દિવસ બાદ સ્વીટીએ તેમને ફોન કર્યો તો તેમણે મારો છોકરો તને ઓળખવા ના પાડે છે તો શું કામ તને મળું તેમ કહેતા સ્વીટી અઠવાલાઈન્સ તાપી બ્રિજ પર પહોંચી હતી અને 181 અભયમને ફોન કરતા તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.ત્યાં આવેલા રોહને એક દિવસમાં લગ્ન અંગે જવાબ આપવાનું કહ્યું હતું.પણ બાદમાં સ્વીટીનો મોબાઈલ નંબર બ્લોક લિસ્ટમાં નાંખી દીધો હતો.આ અંગે સ્વીટીએ બારડોલી પોલીસ મથકમાં અરજી કરી હતી.તેના આધારે ઉધના પોલીસે ગતરોજ રોહન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.