વડોદરા, પ્રતાપનગર બ્રિજ નીચે મિત્રોને મળવા ગયેલા ડી.જે.ઓપરેટરને ત્રણ હુમલાખોરોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
બાવરીકુંભારવાડામાં રહેતો જયદિપ નારાયણભાઇ માળી જય લીલાગરી નામથી ડી.જે.સિસ્ટમનો ધંધો કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સવા બાર વાગ્યે હું મારા ઘરેથી મોપેડ લઇને મારા મિત્રો બલવંતસિંહ દરબાર તથા હરસુ ડોડિયાને મળવા પ્રતાપનગર બ્રિજ નીચે ગયો હતો. અમે ત્રણેય મિત્રો વાતચીત કરતા હતા. તે દરમિયાન દેવેન્દ્ર ઉર્ફે દેવો રાઠોડ, કૌશિક મકવાણા તથા શિવમ આવ્યા હતા. દેવેન્દ્રએ મને કહ્યું કે, તું કેમ અહીંયા ઉભો છે ? કૌશિકે મને કહ્યું કે, તારે અહીંયા આવવું નહી.ત્રણેય ઉશ્કેરાઇને મને ગાળો બોલવા લાગ્યા હતા.કૌશિકે બેલ્ટ વડે અને અન્ય બે આરોપીઓએ મને માર માર્યો હતો. તેઓ કહેવા લાગ્યા હતા કે, આ મહોલ્લો અમારો છે. તારે અહીંયા આવવું નહીં. બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ. મારા મિત્રો મને છોડાવવા વચ્ચે પડયા ત્યારે આરોપીઓ તેઓને પણ ગાળો બોલવા લાગ્યા હતા.