– અભિવ્યક્તિની આઝાદી પર સેન્સરશિપ ન હોવી જોઈએ પણ
– અભિવ્યક્તિની સ્વતંત્રતા ખરી પણ ભાઇચારાનું પણ ધ્યાન રાખવું જરૂરી : સુપ્રીમે દિશા-નિર્દેશ આપ્યા
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું છે કે દેશના નાગરિકોએ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મહત્ત્વ સમજવું જોઈએ અને આત્મનિયંમન તથા સંયમનું પાલન કરવું જોઈએ. તેની સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ચાલતી વિભાજનકારી પ્રવૃત્તિઓ પર અંકુશ લાદવો પડશે. અભિવ્યક્તિની આઝાદી પર કોઈપણ પ્રકારની સેન્સરશિપ ન હોવી જોઈએ તેમ કોર્ટે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ભાષણ તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સંલગ્ન દિશાનિર્દેશો પર વિચાર કરતાં જણાવ્યું હતું કે નાગરિકોને અભિવ્યક્તિની આઝાદી છે, પરંતુ ભાઇચારો પણ રહેવો જોઈએ.
કોર્ટે જણાવ્યું હતું કે કોઈ ઇચ્છતું નથી કે રાજ્ય કે સરકાર આ મામલામાં દખલ દે, પરંતુ ભાષણની સ્વતંત્રતા પર તાર્કિક પ્રતિબંધો યોગ્ય છે.
ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે અભિવ્યક્તિની આઝાદીના મૂલ્યો અંગે લોકોને જાગૃત કરવા જોઈએ, કેમકે કોઈપણ ઇચ્છતું નથી કે સરકાર તેને નિયંત્રિત કરવા માટે દરમિયાનગીરી કરે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર શર્મિષ્ઠા પનોલીની સામે ફરિયાદ કરનારા વજાહત ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે રાજ્યો અને કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને હેટ સ્પીચને કંટ્રોલ કરે. તેની સાથે કોર્ટે જણાવ્યું હતું કે સરકાર તેના પર લગામ લગાવવા માટે એવી કોઈપણ પ્રયત્ન ન કરે જેથી અભિવ્યક્તિની આઝાદીનો ભંગ થાય.
બેન્ચે આત્મનિયંત્રણ અને સ્વસંયમ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે લોકોને આવું ભાષણ અયોગ્ય કે અનુચિત કેમ લાગતું નથી.
સોશિયલ મીડિયા પર પ્રસારિત થતાં વિષયવસ્તુ માટે કંઇક તો નિયંત્રણ હોવું જોઈએ અને નાગરિકોએ પણ હેટ સ્પીચને લાઇક કરતાં અને શેર કરતાં પોતાની જાતને રોકવી જોઈએ.
પીએમ મોદી અને આરએસએસ પરના કાર્ટૂન અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દૂરુપયોગ : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના કાર્યકરો પર સોશિયલ મીડિયા પર કરાયેલા વાંધાજનક કાર્ટૂનોને લઈને કાર્ટૂનિસ્ટના કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે આ બોલવાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દૂરુપયોગ છે. ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને અરવિંદ કુમારની બેન્ચે કાર્ટૂનિસ્ટ હેમંત માલવિયાના વકીલને પૂછયુ હતું કે શા માટે આ બધુ કરો છો. માલવિયાનું પ્રતિનિધિત્વ કરતાં એડવોકેટ વૃંદા ગોવરે જણાવ્યું હતું કે આ કાર્ટૂન ૨૦૨૧માં કોવિડ-૧૯ રોગચાળાના સમયમાં બનાવાયા હતા. કોર્ટે જણાવ્યું હતું કે આ કાર્ટૂન બતાવે છે કે કાર્ટૂનિસ્ટનો ટેસ્ટ કેટલો ખરાબ છે. આ કાર્ટૂન રીતસરના વધુ પડતા આક્રમક છે, પરંતુ આ ગુનો નથી. વૃંદા ગ્રોવર માલવિયાએ કરેલી પોસ્ટ ડીલીટ કરવા સંમત થયા હતા. ન્યાયાધીશ ધુલિયાનું નિરીક્ષણ હતું કે અમે આગળ આ કેસમાં જે પણ કરીએ પરંતુ તે ચોક્કસ છે કે અહીં બોલવાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દૂરુપયોગ થયો છે.