વડોદરાઃ વડોદરા નજીક મુજપુર-ગંભીરા બ્રિજ તૂટયા બાદ અનેક ગંભીર અસરો દેખાઇ રહી છે.સૌથી વધુ કફોડી સ્થિતિ બ્રિજ ક્રોસ કરી રોજગાર માટે આવતા-જતા લોકો પર પડી છે તેમજ અનેક લોકો માટે નોકરી છોડવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકા અને આણંદ-બોરસદને જોડતા ગંભીરા-મુજપુર બ્રિજનો ઉપયોગ અનેક શ્રમજીવીઓ કરતા હતા.અંદાજે ૫ હજારથી વધુ શ્રમિક મહિલા- પુરુષો ગંભીરા,આસોદર,બોરસદ,વળવાદ, બામણગામ,બિલવાડ,મહંમદપુરા,બોડાલ જેવા અનેક ગામોમાંથી બ્રિજ ક્રોસ કરીને પાદરા-જંબુસરની કંપનીઓ,સરકારી અને અર્ધ સરકારી કંપનીઓમાં નોકરી માટે આવતા હતા.
આવી જ રીતે પાદરા તાલુકાના પણ અનેક ગામોના લોકો ગંભીરા-બોરસદ જવા માટે બ્રિજનો ઉપયોગ કરતા હતા.પરંતુ બ્રિજ તૂટવાથી ૪૦ કિમી જેટલું અંતર કાપીને આવ-જા કરવી પડે તેવો વખત આવ્યો છે.
પરિણામે,રોજિંદા વેતન પર કામ કરતા અને દુકાનો-ઓફિસોમાં નાના કામો કરી રોજગાર મેળવતા લોકો પર આર્થિક ભારણ વધ્યું છે.આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા અને વધેલા અંતરને કારણે ટ્રાવેલિંગમાં બે થી ત્રણ કલાકનો સમય વધી ગયો છે.આજે ૫૦૦ થી વધુ યુવકોએ ભેગા થઇ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર મદદરૃપ થાય તેવી માંગણી કરી હતી.આવા કારણો સર અનેક લોકો ને નોકરી છોડવાનો વખત આવ્યો છે.
ગંભીરા બ્રિજ તૂટવાથી વિકલ્પના ઉમેટા બ્રિજ પર ચક્કાજામ, ગંભીરા બ્રિજ ઉપર
એન્ગલો લગાવતાં સમૂહમાં વાહનો ભાડેકરી આવતા નોકરીયાતોની એન્ટ્રી બંધ
ગંભીરા બ્રિજનો વૈકલ્પિક બ્રિજ તરીકે ઉપયોગમાં લેવાતા ઉમેટા-સિંધરોટ બ્રિજ પર પણ મોટાવાહનોની એન્ટ્રી બંધ કરી લોખંડના એન્ગલો લગાવી દેતાં કામધંધા માટે ફરીને પાદરા જતા લોકો માટે વધુ એક મુશ્કેલી સર્જાઇ છે.
બ્રિજ તૂટવાને કારણે ૪૦ કિમી જેટલું અંતર વધી ગયું હોવાથી નોકરી-ધંધા માટે આણંદ-બોરસદના ગામોમાંથી પાદરા તરફ જતા લોકો માટે ઉમેટા બ્રિજ અને વાસદ બ્રિજનો વિકલ્પ રહ્યો છે.વાસદ બ્રિજ પર ટોલ તેમજ અંતર ખૂબ જ વધે છે.જેથી ઉમેટા બ્રિજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અંતર વધવાથી ટ્રાવેલિંગ ખર્ચ થોડો ઓછો થાય તે માટે લોકો સમૂહમાં બોલેરો, પીકઅપ વાન જેવા વાહનો ભાડે કરી રહ્યા છે.પરંતુ આવા વાહનોમાં તાડપતરી લગાવવા માટે કે સામાન મૂકવા માટે એન્ગલ હોવાથી ઉમેટા બ્રિજ પર પ્રવેશી શકતા નથી.જેથી તેમની હાલત વધુ કફોડી બની છે.
પાદરાના ગામોમાંથી ગંભીરા ભણવા જતા 94 વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ
ગંભીરા બ્રિજ તૂટવાથી પાદરા તાલુકાના ગામોમાંથી ગંભીરા હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે પણ મુશ્કેલી સર્જાઇ છે.
પાદરાના મુજપુર,મહુવડ,એકલબારા જેવા ગામોમાંથી માધ્યમિક વિભાગના ૯૪ વિદ્યાર્થીઓ રોજ બ્રિજ ક્રોસ કરીને ગંભીરા હાઇસ્કૂલમાં અભ્યાસ માટે જતા હતા.
પરંતુ બ્રિજ તૂટવાથી આવા વિદ્યાર્થીઓનું શિક્ષણ બંધ થઇ ગયું છે.જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય હર્ષદસિંહ પરમાર અને અન્ય આગેવાનોએ જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરતાં હાલપુરતા તેમને મહુવડની સર્વોદય હાઇસ્કૂલ અને ડબકાની હાઇસ્કૂલમાં મુકવામાં આવ્યા છે.પરંતુ હવે આગળના વર્ષોમાં શું કરવું તેનો તંત્ર પાસે જવાબ નથી.