– વેચાણ પૂર્વે ચેતવણીનુ સ્ટીકર લગાવવા આરોગ્ય મંત્રાલયનો નવો ફતવો
– કેન્દ્રીય આરોગ્ય સંસ્થાઓ, કાફેટેરિયા, રેસ્ટોરાં, હોટેલમાં ‘જમવાનું તેલવાળું-ખાંડવાળું છે’ તેવા બોર્ડ લગાવવાનો આદેશ
– દેશમાં 2050ના અંતે 44.5 કરોડ લોકો સ્થૂળતાથી પીડાતા હશે તેવા અહેવાલના પગલે મંત્રાલયના પગલાં
નવી દિલ્હી : દેશમાં સ્થૂળતાની વધતી જતી સમસ્યા સામે આરોગ્ય મંત્રાલય જાગ્યું છે. દેશમાં ૨૦૨૧માં સ્થૂળતાની સમસ્યાથી પીડિતોની સંખ્યા ૧૮ કરોડ હતી અને ૨૦૫૦ સુધીમાં આ આંકડો ૪૪.૫ કરોડ પર પહોંચી જશે. તેના પગલે આરોગ્ય મંત્રાલયે તેની સામે અત્યારથી જ પગલાં લેતા સિગારેટની જેમ જ સમોસા, જલેબી, બિસ્કીટ આરોગ્ય માટે કેટલા હાનિકારક છે તેવા બોર્ડ લગાવવા સૂચના આપી ે છે.
ૉઆરોગ્ય મંત્રાલયે દેશની બધી કેન્દ્રીય સંસ્થાઓને નિર્દેશ આપ્યો છે કે તે નાસ્તામાં કેટલું ઓઇલ છે અને સુગર છે તેના બોર્ડ લગાવે. આના પગલે હવે જંક ફૂડને પણ તમાકુ જેવી ગંભીર સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે. આ બોર્ડમાં લખવામાં આવ્યું હશે કે જે પણ વસ્તુ ત્યાં બનાવવામાં આવી હશે તેની હાનિકારક અસરો અંગે લખ્યું હશે.
આ યાદી ફક્ત હવે સમોસા, જલેબી અને બિસ્કીટ પૂરતી જ સીમિત નથી, તેની તપાસના ક્ષેત્રમાં લાડુ, વડાપાંવ અને પકોડા પણ હશે. કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની નાગપુર શાખાના વડા ડો. અમર આમલેએ જણાવ્યું હતું કે હજી તો આ પ્રારંભ છે. આગામી સમયમાં જમવાનું લેબલિંગ સિગારેટના પેકેટ પર લખેલી ચેતવણી જેટલું જ ગંભીર હશે.
સુગર અને ટ્રાન્સફેટ નવા જ પ્રકારના તમાકુ છે અને લોકોને તે જાણવાનો અધિકાર છે કે તે શું ખાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે હાલમાં દર પાંચે એક શહેરી સ્થૂળતાનો શિકાર છે. આગામી દિવસોમાં ભારત અમેરિકા પછી બીજા નંબરનો સૌથી મોટો સ્થૂળતા ધરાવતો દેશ બની જશે. શહેરી બાળકોમાં પણ સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે.
વરિષ્ઠ ડાયેબેટોલોજિસ્ટ ડો. સુનીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બાબતને જમવા પરના પ્રતિબંધ તરીકે ન જોવી જોઈઅ, પણ લોકો જે ખાય તે સમજીવિચારીને ખાય તે જોવાનું છે. જો લોકોને ખબર હોય કે એક ગુલાબજાંબુમાં પાંચ ચમચી ખાંડ હોય છે તો તે ખાતા બે વખત વિચાર કરશે.
નાગપુર આ પ્રકારની પહેલને અપનાવનારું પહેલું શહેર હશે. અહીં ખાવા પર કોઈ પ્રતિબંધ નહીં હોય, પરંતુ દરેક લોભામણા નાસ્તાની પાસે સાંકેતિક બોર્ડ હશે. તેના પર લખ્યું હશે, સમજદારીપૂર્વક જમો. તમારા ભવિષ્યનું શરીર તમારુ આભારી રહેશે.
લો સોડિયમ મીઠું આરોગ્ય માટે વધુ સારુ
દૈનિક જરૂરિયાત કરતાં બમણું મીઠું આરોગતા ભારતીયો બીમારીને નોતરે છે
– દૈનિક પાંચ ગ્રામની જરૂરિયાત સામે શહેરોમાં વસતા ભારતીયો 9.2 ગ્રામ જેટલું મીઠું રોજ આરોગે છે
નવી દિલ્હી : ભારતીયોને દરેક આહારમાં મીઠું થોડુ વધારે લેવાની ટેવ છે અને તેમની આ ટેવ સાઇલન્ટ સોલ્ટ એપેડેમિક બની ચૂકી છે. ભારતીયો દૈનિક જરૂરિયાત કરતાં બમણુ મીઠું રોજ આહારમાં લે છે. આવું નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ એપિડેમિયોલોજી કહે છે. આજે આ ટેવના લીધે દેશમાં લાખો લોકોને હાઈ બ્લડ પ્રેશર, હૃદયની બીમારી અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓ થઈ રહી છે.
હવે જો સમય રહેતા સાવધાની દાખવવામાં ન આવી તો આગામી દિવસોમાં આ નાની લાગતી બાબત મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.મીઠાને લઈને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીયો જરુરિયાત કરતાં વધારે મીઠું આરોગી રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)ના જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિએ આરોગ્ય જાળવવું હોય તો પ્રતિ દિન પાંચ ગ્રામ મીઠું જ આરોગવું જોઈએ. જ્યારે આનાથી વિપરીત ભારતના શહેરી વિસ્તારોમાં પ્રતિ દિન ૯.૨ ગ્રામ મીઠું લોકો આરોગી રહ્યા છે. આ પ્રમાણ ડોક્ટરોએ સૂચવેલા પ્રમાણ કરતાં બમણું છે.
ગ્રામીણ વિસ્તારોમાં પણ દરરોજે લોકો ૫.૬ ગ્રામ મીઠું રોજ આરોગે છે. આ પ્રમાણ શહેરી વિસ્તારો કરતાં ઓછું છે. આમ છતાં તે સુરક્ષિત પ્રમાણથી તો વધારે જ છે.
આ મુશ્કેલીના નિવારણ માટે વૈજ્ઞાાનિકોએ કમ્યુનિટી આધારિત કાર્યક્રમ શરૂ કર્યો છે. તેની પહેલ હેઠળ લોકોને એવું મીઠું ઉપયોગમાં લેવાની સલાહ આપવામાં આવે છે જેમા સોડિયમનુ પ્રમાણ ઓછું હોય. આ પ્રકારના મીઠાને લો સોડિયમ સોલ્ટ પણ કહેવાય છે. તેનાથી તમારા આરોગ્યને ઘણા ફાયદા થાય છે. તે હૃદય માટે પણ આરોગ્યપ્રદ છે.આ પ્રકારનો નાનો સરખો સુધારો તમારા આરોગ્યમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે અને તે બ્લડપ્રેશરમાં પણ ઘટાડો કરી શકે છે. તેની સાથે હાર્ટની સ્થિતિ પણ સુધરે છે.
લોકોમાં મીઠાનું પ્રમાણ ઘટાડવા માટે પંજાબ અને તેલંગણામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ભારતીય આયુર્વિજ્ઞાાન સંશોધન પરિષદ દ્વારા સમર્થિત આ પ્રોજેક્ટનો હેતુ તે સમજવાનો છે કે જો લોકોને મીઠું ઘટાડવા માટે યોગ્ય જાણકારી અને સલાહ આપવામાં આવે તો શું તે મીઠું ખાવાનું ઘટાડી શકે છે. આ પ્રોેજેક્ટનો હેતુ લોકોમાં આરોગ્યપ્રદ ખાવાનું આદત વધારવાનો છે.
જોખમી ખાદ્યપદાર્થ
કચોરી
સમોસા
પિત્ઝા
ફ્રેન્ચ ફ્રાઇઝ
વડાપાંવ
બર્ગર
પકોડા
ચા-બિસ્કીટ