India-America Trade Tariff Talk: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ટેરિફ વોરની આગાહી સાથે સમગ્ર વિશ્વને હચમચાવ્યું છે. આગામી બે એપ્રિલથી તેઓ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ફિરાકમાં છે. એવામાં ભારત સરકાર અમેરિકા સાથે વાટાઘાટોના માધ્યમથી ટેરિફમાં રાહત લેવા સતત પ્રયત્નશીલ બન્યું છે. ટેરિફ સંબંધિત વાતચીતમાં અમેરિકામાંથી આયાત થતાં હાર્લે-ડેવિડસન મોટરસાયકલ, બોર્બોન વ્હિસ્કી અને કેલિફોર્નિયા વાઇન પરની આયાત ડ્યૂટી ઘટાડવાનું વિચારી રહ્યા છે.
બંને દેશો ટેરિફ ઘટાડવા પ્રયત્નશીલ
મીડિયા રિપોર્ટ અનુસાર, બંને દેશ અમુક પ્રોડ્ક્ટસ પર ટેરિફ ઘટાડવા સહમત થયા છે. સરકારે અગાઉ હાર્લે-ડેવિડસન મોટરસાયકલ પર આયાત ડ્યૂટી 50 ટકાથી ઘટાડી 40 ટકા કરી હતી. હવે તેમાં વધુ ઘટાડો કરવાની ચર્ચા ચાલી રહી છે. જેનાથી માર્કેટમાં પ્રીમિયમ બાઇક સસ્તી થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ અમેરિકાની ચૂંટણી પ્રણાલીમાં ટ્રમ્પે કર્યો મોટો ફેરફાર, મતદાન માટે હવેથી નાગરિકતા પુરાવો ફરજિયાત
અમેરિકન વ્હિસ્કી પર આયાત ડ્યૂટી ઘટાડી
બોર્બન વ્હિસ્કી પર આયાત ડ્યૂટી 150 ટકાથી ઘટાડી 100 ટકા કરવામાં આવી હતી. હવે અધિકારીઓ બંને દેશો વચ્ચે વેપારને વધુ સુચારુ બનાવવા માટે તેમાં વધુ ઘટાડો કરવા વિચારી રહ્યા છે. કેલિફોર્નિયન વાઇનમાં પણ ડ્યૂટી ઘટાડવાની શક્યતા છે.
આ સેગમેન્ટમાં પણ ટેરિફ ઘટશે
અમેરિકાના અધિકારીઓ ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને કેમિકલની યુએસ નિકાસને વેગ આપવા મુદ્દે પણ ચર્ચા કરી રહ્યા છે. યુએસ ભારતના વધતાં જતાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં તેનો બજાર હિસ્સો વધારવા આતુર છે, ભારત પણ તેની યુએસમાં નિકાસને વેગ આપવા અનુકૂળ શરતો સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.