PM Dhan Dhanya Krishi Yojana: આજે બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાંથી એક ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આજે કેબિનેટ બેઠકમાં 24,000 કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચ સાથે ‘પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના’ને મંજૂરી આપી છે. જેમાં 36 યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. તેમજ સરકારે ગ્રીન એનર્જીમાં રોકાણ માટે NLCIL(NLC India Limited)ને 7,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ઉપરાંત શુભાંશુ શુક્લાના અંતરિક્ષ મિશન બાદ ભારતે પોતાનું અંતરિક્ષ મથક બનાવવા તરફ વધુ એક પગલું આગળ વધાર્યું છે.
પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના શું છે?
કેન્દ્રીય બજેટ 2025-26માં નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ‘પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના’ની જાહેરાત કરી હતી, જેને હવે મંત્રીમંડળની મંજૂરી મળી ગઈ છે. આ યોજના હેઠળ, કૃષિ જિલ્લાઓનો વિકાસ કરવામાં આવશે. આ યોજના ઓછી ઉત્પાદકતા, પાકનું ઓછું વાવેતર અને સરેરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા 100 જિલ્લાઓને લક્ષ્ય બનાવશે.
ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે બહુપક્ષીય અભિગમ સાથે આ યોજના તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ, પાક વૈવિધ્યકરણ, ટકાઉ અને આબોહવા-સ્થિતિ સ્થાપક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, લણણી પછીની સંગ્રહ ક્ષમતા વધારવા અને ટૅક્નોલૉજી સુધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.
સરકારે ગ્રીન એનર્જીમાં રોકાણ માટે 7000 કરોડ રૂપિયા મંજૂર કર્યા
કેબિનેટે સૌર, પવન અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સમાં રોકાણ વધારવા માટે NTPCની પેટાકંપની NTPC ગ્રીન એનર્જી લિમિટેડમાં રૂ. 20,000 કરોડના ઈક્વિટી રોકાણને મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં, NTPC એ NGELમાં રૂ. 7,500 કરોડનું રોકાણ કર્યું છે. ગ્રીન એનર્જી પોર્ટફોલિયોમાં હાલમાં 6 GW કાર્યકારી ક્ષમતા અને 26 GW બાંધકામ હેઠળની ક્ષમતાનો સમાવેશ થાય છે. 2032 સુધીમાં તેને 60 GW સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
આ પણ વાંચો: અમેરિકા ભારતને ઘાતક અપાચે હેલિકોપ્ટર આપવા તૈયાર, પાકિસ્તાન સરહદે કરાશે તહેનાત
આ અંગે અશ્વિની વૈષ્ણવેએ પણ સ્પષ્ટ કર્યું કે, કેબિનેટે NTPC અને NLCને આ ભંડોળ એકત્ર કરવા માટે મંજૂરી આપી છે. સરકારે તેના ઉર્જા ક્ષેત્રને વિસ્તૃત કરવા માટે રૂ. 7,000 કરોડના પેકેજને મંજૂરી આપી છે. આ રોકાણ NLC ઇન્ડિયા રિન્યુએબલ્સ લિમિટેડ(NIRL)ને ટેકો પૂરો પાડશે, જે નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન(NLC)ની સંપૂર્ણ માલિકીની શાખા છે. આ યોજના હેઠળ, રૂ. 6,263 કરોડની નવીનીકરણીય ઉર્જા સંપત્તિ NLCમાંથી NIRLમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
મંત્રીમંડળના મહત્ત્વપૂર્ણ નિર્ણયો
મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘આજે કેન્દ્રીય મંત્રીમંડળે ISS(આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક)માંથી ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લાના પરત ફરવા અંગે ઠરાવ પસાર કર્યો છે. આ સમગ્ર દેશ માટે ગર્વ, ગૌરવ અને ખુશીનો પ્રસંગ છે. આજે મંત્રીમંડળ, દેશ સાથે મળીને ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લાને પૃથ્વી પર સફળ વાપસી બદલ અભિનંદન આપે છે. તેમણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક પર 18 દિવસનું ઐતિહાસિક મિશન પૂર્ણ કર્યું છે. આ ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં એક નવો અધ્યાય છે. તે આપણા અંતરિક્ષ કાર્યક્રમના ભવિષ્યની સુવર્ણ ઝલક આપે છે. મંત્રીમંડળ ISROના વૈજ્ઞાનિકો અને ઇજનેરોની સમગ્ર ટીમને આ ઐતિહાસિક સિદ્ધિ માટે અભિનંદન આપે છે.’