Vadodara : વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા બ્રાહ્મણ પરિવારમાં પરણેલી પરિણીતાએ પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવા મામલે ગોત્રી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે. પતિ ઘર કંકાસ દરમિયાન જબરજસ્તી શારીરિક સંબંધ બાંધતો હોવાની બાબતનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શહેરના વાસણા-ભાયલી રોડ ખાતે આવેલ હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા બ્રાહ્મણ પરિવારના યુવક સાથે પરણીતાએ જ્ઞાતિના રિવાજ પ્રમાણે વર્ષ 2006માં લગ્ન કરેલ હતા. શરૂઆતમાં બંનેનું લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું. દરમિયાન તેમને બે બાળકો પણ છે, જેમાં મોટી દીકરી 15 વર્ષની અને નાનો દીકરો પાંચ વર્ષનો છે. પરંતુ છેલ્લા ચારેક વર્ષથી પતિ પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરે છે. ગત તારીખ 17 માર્ચ 2025ના રોજ પતિએ પરણીતાને મારતા તેને હાથમાં તથા ડાબી બાજુના ખભા પર દુખાવો થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે પરણીતા દાખલ થઈ હતી. પતિ ચીડીયા સ્વભાવનો હોવાથી વારે ઘડીએ વાત વાતમાં ગુસ્સો કરી ઘરમાં કંકાસ કરી ખરાબ વર્તન કરે છે. આ ઉપરાંત મારી સાથે જબરજસ્તી શારીરિક સંબંધ પણ બાંધે છે. બાળકને પણ મારતો હોવાથી છેલ્લા છ મહિનાથી પરિણીતા પોતાના પિયરમાં અમદાવાદ ખાતે રહે છે. તે અમદાવાદ જતી રહ્યા બાદ પતિ છોકરાને મારી નાખવાની ધમકી આપતો હોય સમગ્ર બનાવ મામલે પરણીતાએ ગોત્રી પોલીસ મથકે શારીરિક અને માનસિક ત્રાસ મામલે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. સમગ્ર ઘટનામાં મુંબઈ ખાતે રહેતા નીલમબેન પણ માહિતગાર હોવાની બાબતનો ફરિયાદમાં ઉલ્લેખ છે.